જામનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની ચૂંટણીમાં 100થી વધુ દાવેદારો : 23 સપ્ટેમ્બર સુધી નિયુક્તિપત્રો સ્વીકારાશે, 9 ઓક્ટોબરે ચૂંટણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થઈ છે. આ ચૂંટણીમાં સભ્યપદ મેળવવા માટે 100 થી વધુ દાવેદારોએ રસ દાખવ્યો હોવાનું જાણવા મળે છે. આજે તા.22 સપ્ટેમ્બર ફોર્મ મેળવવાનો અંતિમ દિવસ છે, જ્યારે આવતીકાલે તા.23 સપ્ટેમ્બરના રોજ નિયુક્તિપત્રો સ્વીકારવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાના અગાઉના બોર્ડના કોર્પોરેટરોની મુદ્દત પૂર્ણ થતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની પણ મુદ્દત પૂર્ણ થઈ હતી. ત્યારબાદ હવે આગામી તા.9 ઓક્ટોબરના રોજ શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મેયર મોનિકાબેન વ્યાસે ચૂંટણી અધિકારી તરીકે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. કાર્યક્રમ મુજબ તા.23 સપ્ટેમ્બરના રોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા દરમિયાન મેયર કાર્યાલય ખાતે નિયુક્તિપત્રો સ્વીકારવામાં આવશે. તા.25 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે મેયર કાર્યાલય ખાતે નિયુક્તિપત્રોની ચકાસણી કરવામાં આવશે અને તે જ દિવસે બપોરે 3:30 વાગ્યે નિયુક્ત થયેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ત્યારબાદ તા.2 ઓક્ટોબર સુધીમાં સવારે 11થી બપોરે 2 વાગ્યા દરમિયાન કોર્પોરેશનના જનરલ બોર્ડ હોલ ખાતે ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. અંતે તા.9 ઓક્ટોબરના રોજ સવારે 11:30થી બપોરે 3:30 વાગ્યા સુધી કોર્પોરેશનના જનરલ બોર્ડ હોલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજાશે. જરૂરિયાત ઊભી થાય તો કોર્પોરેટરો દ્વારા મતદાન કરવામાં આવશે અને મતદાન પૂર્ણ થયા બાદ મતદાન સ્થળે જ તાત્કાલિક મતગણતરી હાથ ધરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ભાજપનું શાસન હોવાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સામાન્ય રીતે બિનહરીફ થતી આવી છે. આ વખતે પણ પક્ષ દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ બિનહરીફ વરણી થવાની શક્યતા જોવાઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ સંખ્યા 15 સભ્યોની હોય છે, જેમાં 12 સભ્યો ચૂંટાયેલા, બે સંસ્થાકીય પ્રતિનિધિ અને એક સરકારી પ્રતિનિધિનો સમાવેશ થાય છે.




