જામનગર જિલ્લામાં ગઈકાલે મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ધ્રોલમાં 22 અને લાલપુરમાં 28 મી.મી. વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં રવિવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. મોડી સાંજથી કેટલાક તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લા કન્ટ્રોલ રૂમના આંકડા મુજબ 20 સપ્ટેમ્બરના સવારે 6થી 21 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 12 મી.મી. વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન લાલપુરમાં સૌથી વધુ 28 મી.મી., જ્યારે ધ્રોલમાં 22 મી.મી. વરસાદ નોંધાયો હતો. જોડિયામાં 12 મી.મી., જામનગરમાં 4 મી.મી., કાલાવડમાં 4 મી.મી. અને જામજોધપુરમાં 2 મી.મી. વરસાદ નોંધાયો હતો.
દરમિયાન જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી ઝાપટાં નોંધાયા હતા. પ્રાપ્ત આંકડા મુજબ મોટી ભલસાણમાં સૌથી વધુ 30 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે બાલંભામાં 25, જાલિયાદેવાણીમાં 21, અલીયાબાડામાં 20, હરિપર અને જામવંથલીમાં 19-19, લૈયારામાં 18, વસઈમાં 14, લાખાબાવળ, મોટી બાણુંગાર અને ફલ્લામાં 12-12 મી.મી. વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ભલસાણ બેરાજા, દરેડ, હડિયાણા, નિકાવા, ખેરેડી અને મોટાપાંચ દેવડામાં 10-10 મી.મી., પીપરટોડામાં 8, પરડવામાં અને ભણગોરમાં 7-7, પડાણામાં 5, સમાણામાં 4, જામવાડી અને વાંસજાળિયામાં 3-3, ઘુનડામાં અને મોડપરમાં 2-2 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે પીઠડ, લાલપુર, મોટા વડાળા, શેઠ વડાળા, ધ્રાફા અને નવાગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો ન હતો.
વરસાદના કારણે દિવસ દરમિયાન ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને ધ્રોલ અને લાલપુર પંથકમાં નોંધપાત્ર વરસાદ થતાં સ્થાનિક વિસ્તારોમાં પાણીના પ્રવાહ જોવા મળ્યા હતા. જામનગર શહેરની વાત કરવામાં આવે તો રવિવારે આખો દિવસ ઉકળાટભર્યો રહ્યો હતો અને સૂર્યદેવતાનો પ્રકોપ જોવા મળ્યો હતો. પરંતુ સાંજે સાડા સાત વાગ્યા બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં એકાએક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા. થોડી ક્ષણો માટે ઠંડો પવન ફૂંકાયા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને જોરદાર વરસાદનું ઝાપટું વરસી ગયું હતું, જેના કારણે રસ્તાઓ પર દોડધામ મચી હતી.
રવિવારની રજાના દિવસે લોકો ઉકળાટભર્યા વાતાવરણમાં પોતાના ઘરની બહાર નીકળ્યા હતા, પરંતુ અચાનક આવેલા વરસાદના કારણે થોડો સમય લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, થોડીવાર બાદ વરસાદ રોકાઈ જતાં આકાશ ફરી ખુલ્લું થયું હતું. અચાનક આવેલા વરસાદી ઝાપટાંના કારણે ગણપતિ મંડળોના સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. પવનની તીવ્રતા વધતાં મંડપ અંગે ચિંતા ઊભી થઈ હતી, પરંતુ વરસાદ રોકાઈ જતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. આજે પણ આકાશમાં વાદળોની આવનજાવન જોવા મળી રહી છે અને વરસાદી ઝાપટાં પડવાની શક્યતા યથાવત્ જોવા મળી રહી છે.




