Jamnagar

જામનગરમાં શ્રાવણના પ્રારંભે મેઘરાજાએ માત્ર છાંટણા કરી વિરામ લીધો : 24 કલાકમાં માત્ર 1 મિ.મી. વરસાદ

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં શ્રાવણ માસના પ્રારંભે મેઘરાજાએ નિરાશ કર્યા છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 1 મિ.મી. અને કાલાવડમાં 3 મિ.મી. વરસાદ નોંધાયો. ગઈકાલે સાંજે વરસાદી ઝાપટાં બાદ વાદળો વિખેરાઈ ગયા. આજે સવારે પણ હળવાં છાંટણાં પડ્યા. ખેડૂતો સારો વરસાદ થાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શ્રાવણના પ્રારંભે મેઘરાજાએ માત્ર છાંટણા કરી વિરામ લીધો : 24 કલાકમાં માત્ર 1 મિ.મી. વરસાદ

Jamnagar Rain Update : શ્રાવણ માસના પ્રારંભે જ જામનગર જિલ્લામાં મેઘરાજાએ ફરી એક વખત નિરાશ કર્યા છે. શ્રાવણના પ્રથમ દિવસે જામનગર શહેર અને કાલાવડ પંથકમાં મેઘરાજાએ માત્ર છાંટણા કરીને જાણે મોહરત સાચવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે સવારે 8 વાગ્યે પૂર્ણ થતા છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં માત્ર 1 મિ.મી., જ્યારે કાલાવડમાં 3 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
જામનગર શહેરમાં ગઈકાલે સાંજે સાડા છ વાગ્યા બાદ અચાનક હવામાન પલટાયું હતું અને આકાશમાં વાદળો ઘેરાતા વરસાદી ઝાપટું શરૂ થયું હતું. જોકે ગણતરીની ક્ષણોમાં જ વરસાદ અટકી ગયો હતો અને વાદળો પણ વિખેરાઈ ગયા હતા. આજે સવારે પણ વરસાદી માહોલ બન્યો હતો અને હળવાં છાંટણાં પડ્યા હતા, પરંતુ ત્યારબાદ ફરી મેઘરાજાએ જાણે મોં ફેરવી લીધું હતું.
શ્રાવણના પવિત્ર માસના પ્રારંભે સારો વરસાદ વરસે તેવી શહેર-જિલ્લાની જનતા તેમજ ખેડૂતોને આશા હતી. જોકે મેઘરાજાએ માત્ર છાંટણાં કરીને વિદાય લેતાં આ આશા પણ અધૂરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે ચાતક નજરે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.
જામનગરમાં આજે હવામાનમાં ભેજનું પ્રમાણ પણ ઊંચું રહ્યું હતું. બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલી વિગતો મુજબ શહેરમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ, ભેજનું પ્રમાણ 93 ટકા અને પવનની ગતિ 7.2 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
જામનગર જિલ્લામાં મેઘરાજાની આવી સંતાકૂકડી વચ્ચે લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો માટે હવે આગામી દિવસોમાં વ્યાપક વરસાદ થાય તે અત્યંત જરૂરી બન્યું છે. શ્રાવણના પ્રારંભે મેઘરાજાની માત્ર હેલી જોવા મળતાં સૌની નજર હવે આકાશ તરફ મંડાઈ છે.