Jamnagar

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલારમાં 5મી જુલાઈ સુધી હળવા-મધ્યમ વરસાદની આગાહી : ગરમી અને બફારાથી લોકો અકળાયા

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગઈકાલે જામનગરમાં 36.2 ડિગ્રી તાપમાન અને 78% ભેજને કારણે ભારે બફારો અનુભવાયો. લોકો ગરમીથી અસ્વસ્થ થયા. જોકે, બપોર બાદ પવન ફૂંકાતા થોડી રાહત મળી. હાલારમાં ચોમાસું મોડું થતા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ આગાહી આશા જગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલારમાં 5મી જુલાઈ સુધી હળવા-મધ્યમ વરસાદની આગાહી : ગરમી અને બફારાથી લોકો અકળાયા

Jamanagr Rain Update : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 5 જુલાઈ સુધીમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી તરફ, જામનગરમાં ગઈકાલે મંગળવારે મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા ગરમી અને બફારાનો પ્રકોપ વધ્યો હતો, જેના કારણે લોકોને ભારે અસ્વસ્થતા અનુભવવી પડી હતી.

જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ગરમીનું જોર યથાવત રહ્યું છે. મંગળવારે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા બપોરના સમયે લોકો ફરીથી આકરા તાપનો સામનો કરવા મજબૂર બન્યા હતા. સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા સુધી પહોંચતા ઉકળાટ અને બફારો વધી ગયો હતો, જેના કારણે લોકો પરસેવાથી તરબતર થઈ ગયા હતા.

જોકે, બપોર બાદ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણમાં થોડી રાહત અનુભવાઈ હતી. તેમ છતાં ગરમી અને ભેજના સંયુક્ત પ્રભાવથી દિવસભર અસહ્ય ઉકળાટનો માહોલ રહ્યો હતો.

હાલાર પંથકમાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન અપેક્ષા કરતાં મોડું પડ્યું છે. ખેડૂતો સહિત વિવિધ વર્ગો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આવા સમયે હવામાન વિભાગે 2થી 5 જુલાઈ દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરતા રાહતની આશા જાગી છે.

મંગળવારે પણ જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં સમયાંતરે વરસાદી માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બપોર બાદ આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા અને અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા દેખાઈ હતી. જોકે મોડી સાંજ સુધી જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું છે. જયારે આજે પણ આકાશમાં વાદળોના આંટા ફેરા જોવા મળી રહ્યા છે.