Jamnagar

જામનગર જિલ્લામાં શ્રાવણના અંતિમ દિવસે પણ જુગારિયાઓ બેફામ : જિલ્લાભરમાં પોલીસના તાબડતોબ દરોડા

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
શ્રાવણના અંતિમ દિવસે પણ જામનગર શહેર અને જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ અટકાવવા પોલીસે સઘન કાર્યવાહી કરી. પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી, મહિલાઓ સહિત 50થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા. હવાઈચોક, રામેશ્વરનગર, હીરાસરવાસ, બેડેશ્વર, નવાગામ ઘેડ, મેથાણ, ખોજાબેરાજા અને મિયાત્રા ગામની સીમમાંથી કુલ ₹2,00,000થી વધુની રોકડ જપ્ત કરી. પોલીસે જુગારધારા હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં શ્રાવણના અંતિમ દિવસે પણ જુગારિયાઓ બેફામ : જિલ્લાભરમાં પોલીસના તાબડતોબ દરોડા

Jamnagar Gambling Raid : શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ હોવા છતાં જુગારની લત ધરાવતા તત્વોની પ્રવૃત્તિ અટકી ન હતી. શ્રાવણના અંતિમ દિવસે પણ જુગાર રમતા શખ્સો સામે જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જુદા-જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવતા મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા હતા.
જામનગર શહેરના સિટી ‘એ’ વિભાગ પોલીસ મથક હેઠળ હવાઈચોક ભાનુશાળીવાડ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો પાસેથી રૂ.10,350ની રોકડ તથા ગંજીપાનાં કબજે કરવામાં આવ્યાં હતાં. જ્યારે સિટી ‘બી’ વિભાગ પોલીસે રામેશ્વરનગર વિસ્તારમાં દરોડો પાડી મહિલાઓ સહિત આઠ શખ્સોને રૂ.19,200ની રોકડ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત હીરાસરવાસ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા 13 શખ્સો પાસેથી રૂ.15,680ની રોકડ તથા બેડેશ્વર-પાણાખાણ વિસ્તારમાં સાત શખ્સોને રૂ.11,420ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. નવાગામ ઘેડ વિસ્તારમાં પણ તીનપત્તીના જુગાર પર દરોડો પાડી સાત શખ્સોને રૂ.11,230ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસની કાર્યવાહી ચાલુ રહી હતી. શેઠવડાળા પોલીસ દ્વારા મેથાણ ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂ.16,600ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. પંચકોશી ‘બી’ વિભાગ પોલીસે ખોજાબેરાજા ગામે દરોડો પાડી ચાર શખ્સોને રૂ.21,190ની રોકડ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 4 શખ્સો નાસી છૂટ્યા હતા. પંચકોશી ‘એ’ વિભાગ પોલીસે મિયાત્રા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.51,300ની રોકડ કબજે કરી હતી.
આમ, શ્રાવણ માસના અંતિમ દિવસે જ જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જુગારના અનેક અડ્ડાઓ પર દરોડા પાડી મોટી સંખ્યામાં જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે જુગારધારા હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.