જામનગરની જી.જી. હોસ્પિટલમાં માસ્કનાં નિયમનો ઉલાળીયો
- પેરામેડિકલ સ્ટાફ અને સુરક્ષા ગાર્ડ દ્વારા
- કોરોના સંક્રમણ ખૂબ વધી ગયું છે ત્યારે જ કોરોના વોરિયર્સની ગંભીર લાપરવાહી સામે કચવાટ
જામનગર, તા ૩૦ જુલાઈ, ૨૦૨૦, ગુરૂવાર
જામનગરની પ્રખ્યાત જી.જી.હોસ્પિટલ કે જ્યાં કોરોનાની સારવાર માટેની કોવિડ-૧૯ હોસ્પિટલ આવેલી છે, ઉપરાંત અન્ય સારવાર માટેની જુદી જુદી ઓપીડી આવેલી છે, અને ટ્રોમા સેન્ટર સહિતનાં અનેક વોર્ડ છે. ફરજ બજાવી રહેલી સિક્યુરિટી ગાર્ડની મહિલાઓ સહિતની ટીમ માસ્ક પહેર્યા વિના ફરજ બજાવે છે, ઉપરાંત જી.જી.હોસ્પિટલનો કેટલોક પેરામેડિકલ સ્ટાફ પણ માસ્ક પહેર્યા વિના ફરજ બજાવી રહેલો નજરે પડતાં જી.જી.હોસ્પિટલમાં જ નિયમોનો ઉલાળીયો થઈ રહેલો જોવા મળી રહ્યો છે.
જામનગરની જી.જી હોસ્પિટલના જુના બિલ્ડિંગમાં ટ્રોમા સેન્ટર તેમજ અન્ય ઓપીડી વિભાગ સહિતના અલગ-અલગ વોર્ડમાં ફરજ બજાવી રહેલો સિક્યુરિટી વિભાગનો મહિલાઓ સહિતનો સ્ટાફ માસ્ક પહેર્યા વિના જ ફરજ બજાવી રહ્યો છે. જ્યારે કેટલાક સિક્યુરીટી સ્ટાફ વોર્ડ માં સુતેલો નજરે ચડે છે. છડેચોક 'માસ્ક ફરજિયાત' ના નિયમને ઉલાળિયો જી.જી.હોસ્પિટલ ના સિક્યુરિટી વિભાગમાં જ જોવા મળી રહ્યો છે.
સાથોસાથ દવાઓ આપવાનો તેમજ દર્દીઓની સારવાર કરવાનું કામ કરતો જી.જી.હોસ્પિટલ નો પેરામેડિકલ સ્ટાર પણ મોઢે માસ્ક લગાવ્યા વિના જ ફરજ બજાવી રહેલો નજરે ચડયો છે. જીજી હોસ્પિટલના સત્તાવાળાઓએ સૌપ્રથમ આ તમામ સ્ટાફ ને ફરજીયાત માસ્ક પહેરવા નું ફરમાન કરવું જરૂરી છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવનાર દર્દીઓ માસ્ક વીના જી.જી. હોસ્પિટલમાં પ્રવેશે નહીં, તેની તકેદારી માટે અને ચેકિંગ માટે જવાબદારી સોપવામાં આવી છે, તે સિક્યુરિટી વિભાગ નો સ્ટાફ ખૂદ જ માસ્ક પહેરવાના નિયમનો ઉલ્લંઘન કરશે તો પછી દર્દીઓ પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકાય, તે એક મોટો સવાલ છે.