Jamnagar

જામનગરમાં સ્વામિનારાયણનગરના મકાનમાં શોર્ટ સર્કિટથી આગ ; રોકડા દોઢ લાખ અને દાગીના બળીને ખાખ

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરના સ્વામિનારાયણનગરમાં મહેશભાઈ પરમારના ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. સવારે વહેલા બનેલી આ ઘટનામાં રૂ. 1.5 લાખ રોકડા, રૂ. 2 લાખના દાગીના અને ફર્નિચર ભસ્મીભૂત થયા. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગને એક રૂમ સુધી સીમિત રાખી, મોટી દુર્ઘટના ટાળી હતી. મહેશભાઈ સળગેલા દરવાજાથી ઇજાગ્રસ્ત થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સ્વામિનારાયણનગરના મકાનમાં શોર્ટ સર્કિટથી આગ ; રોકડા દોઢ લાખ અને દાગીના બળીને ખાખ

Jamnagar Fire : જામનગર શહેરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક રહેણાક મકાનમાં ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગના કારણે ઘરમાં રાખવામાં આવેલી અંદાજે રૂ.દોઢ લાખની રોકડ રકમ, આશરે રૂ.બે લાખના દાગીના તેમજ લાકડાનો કબાટ અને અન્ય ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. જોકે ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી આગ એક રૂમ સુધી જ સીમિત રહી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતા અને ફર્નિચર તેમજ ડેકોરેશનનું કામ કરતા મહેશભાઈ પરમારના રહેણાક મકાનમાં વહેલી સવારે ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં રહેલો લાકડાનો કબાટ, ફર્નિચર સહિતનો સામાન આગની ઝપેટમાં આવી ગયો હતો. કબાટમાં રાખવામાં આવેલી અંદાજે રૂ.દોઢ લાખની રોકડ રકમ તેમજ આશરે રૂ.બે લાખના દાગીના પણ આગમાં બળીને ખાક થઈ ગયા હતા.
આગ લાગી ત્યારે મહેશભાઈ પરમાર મકાનના ઉપરના માળે હતા. ધુમાડો અને આગની જાણ થતાં તેઓ તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા અને સૌપ્રથમ મેન સ્વિચ બંધ કરી વીજ પુરવઠો બંધ કર્યો હતો. ત્યારબાદ ઘરમાં રહેલો રાંધણગેસનો બાટલો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સળગેલો દરવાજો તેમના હાથ પર પડતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.
બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના ફાયર અધિકારી ઉમેશ ગામેતીની રાહબરી હેઠળ પાંચ જેટલા જવાનો ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડે અંદાજે અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરિણામે આગ અન્ય રૂમો અને આસપાસ આવેલા જોડાયેલા મકાનો સુધી પ્રસરે તે પહેલાં જ કાબૂમાં આવી જતા મોટી જાનહાનિ અને વધુ નુકસાન ટળી ગયું હતું.
આગના બનાવને પગલે આસપાસના મકાનોમાં રહેતા લોકો પણ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.