Jamnagar

જામનગરમાં આંગણવાડી બહેનોનું પગાર વધારાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન : ઉગ્ર આંદોલનની ચીમકી

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પગારવધારા સહિતના પ્રશ્નો મુદ્દે ઉગ્ર દેખાવો કર્યા. હાઈકોર્ટના ચુકાદા છતાં 1.5 વર્ષથી પગાર વધારાનો લાભ ન મળતા રોષ ફેલાયો છે. સાત રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી, બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. બહેનોએ તાત્કાલિક પગાર વધારા અને અન્ય પડતર માંગણીઓ સંતોષવા સરકારને અપીલ કરી. ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં આંગણવાડી બહેનોનું પગાર વધારાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન : ઉગ્ર આંદોલનની ચીમકી

Jamnagar News : જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હોવા છતાં છેલ્લા દોઢેક વર્ષથી આ વધારાનો લાભ ચૂકવવામાં ન આવતાં આંગણવાડી બહેનોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. પગાર વધારા ઉપરાંત આંગણવાડી બહેનોના અન્ય પડતર પ્રશ્નો અને વિવિધ માગણીઓનો પણ યોગ્ય ઉકેલ ન આવતાં વિરોધનો સૂર વધુ ઉગ્ર બન્યો છે.
આ વિરોધના ભાગરૂપે સોમવારે જામનગર શહેરમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો એકઠી થઈ હતી. શહેરના સાત રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી. હાથમાં વિવિધ માંગણીઓના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતી બહેનો કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આંગણવાડી બહેનોએ સરકાર અને તંત્ર સમક્ષ હાઈકોર્ટના ચુકાદા મુજબ તાત્કાલિક પગાર વધારાનો લાભ ચૂકવવા ઉપરાંત લાંબા સમયથી પડતર રહેલી અન્ય માગણીઓનો પણ વહેલી તકે નિકાલ કરવાની માંગણી કરી હતી.
હાઈકોર્ટના આદેશનું પાલન ન થતાં વિરોધનો વંટોળ
હાઈકોર્ટના આદેશનો અમલ ન થતાં જામનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આંગણવાડી બહેનોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. બહેનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમની ન્યાયિક માગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને સરકાર સામે વ્યાપક વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે.