જામનગરના ગુલાબનગરમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો : 4 સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મોટરસાયકલ ચલાવવા બાબતે બે મહિના અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ ગુલાબનગર આદિત્યપાર્ક શેરી નંબર–2માં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મોઈન હનીફભાઈ જીવરાણી (ઉંમર 22) તા.6 જુલાઈની મધરાતે પોતાના મિત્ર સમીર સુમરા સાથે ગુલાબનગર સ્થિત તાજ હોટલ પાસે ચા પીવા ઊભા હતા. તે દરમિયાન અશરફ સુમરા લાકડાનો ધોકો, આફતાબ સુમરા લોખંડનો સળીયો તથા તેમની સાથે યુવી તરીકે ઓળખાતો શખ્સ અને અનીશ સુમરા ત્યાં આવી પહોંચ્યા હતા.
આરોપીઓએ ફરિયાદીને મોટરસાયકલ ઝડપથી ચલાવવા મુદ્દે બોલાચાલી કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ વિરોધ કરતાં અશરફ સુમરાએ લાકડાના ધોકાથી માથાના ડાબા ભાગે કાન ઉપર ઘા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ફરિયાદી પોતાના પિતાને ફોન કરવા જતા તેના હાથમાં રહેલા મોબાઇલ પર પણ ધોકાનો ઘા મારતા આશરે રૂ.1,500ની કિંમતનો મોબાઇલ તૂટી ગયો હતો.
ફરિયાદી ત્યાંથી બચવા ભાગતા આફતાબ સુમરાએ લોખંડના સળીયાથી ડાબા પગના ગોઠણ નીચેના ભાગે ઘા માર્યો હતો. દરમિયાન યુવી તરીકે ઓળખાતા શખ્સે છરી કાઢી હુમલો કરવાનો પ્રયાસ કરતાં ફરિયાદીએ છરી પકડી લેતા તેના જમણા હાથની આંગળીઓ અને અંગૂઠા નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં સારવાર દરમિયાન આશરે અગિયાર ટાંકા લેવા પડ્યા હતા. ડાબા પગમાં પણ ચાર જેટલા ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અનીશ સુમરાએ પણ ઢીંકા-પાટુનો માર માર્યો હતો.
ફરિયાદીની બૂમાબૂમ સાંભળી લોકો ભેગા થતાં આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જતાં જતાં અશરફ સુમરાએ ફરીથી વિસ્તારમાં મોટરસાયકલ ઝડપથી ચલાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીને મિત્ર સમીર સુમરા અને જુનેદ વાઘેરે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે લગભગ બે મહિના અગાઉ મોટરસાયકલ ચલાવવા મુદ્દે અશરફ સુમરા અને યુવી સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 115(2), 352, 351(3), 324(1), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.









