જામનગર જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈન તથા ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવાની કામગીરીમાં અસરગ્રસ્ત ખેડૂતોને જમીનના વળતર મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને ખેડૂતો દ્વારા તા.30 સપ્ટેમ્બરના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં ટ્રાન્સમિશન લાઈનની કામગીરી શરૂ કરતા પહેલાં અસરગ્રસ્ત જમીનોના રેકોર્ડમાં થયેલા ફેરફારો અને ખેડૂતોના નામોમાં રહેલી ભૂલો સુધારવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ટ્રાન્સમિશન લાઈન સ્થાપિત કરનાર કંપની દ્વારા બજારભાવ નક્કી કરવા અંગે અગાઉ કોઈ પૂર્વનોટીસ કે લેખિત જાણ કરવામાં આવી નથી. ઉપરાંત, કલેક્ટર કચેરી તરફથી આપવામાં આવેલી નોટીસમાં પણ કાયદાકીય રીતે જરૂરી 14 દિવસનો સમય આપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ટ્રાન્સમિશન કંપનીને વીજળી અધિનિયમ હેઠળ મંજૂરી મેળવી કલમ 164 મુજબ ટેલિગ્રાફ અધિનિયમ, 1885ની સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. ટેલિગ્રાફ અધિનિયમની કલમ 10(ડી) મુજબ લાઈન સ્થાપનાથી હિતધારક ખેડૂતોને થતા નુકસાનનું સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવાનો ખેડૂતોનો દાવો છે.
ખેડૂતોએ ઉર્જા વિભાગના તા.04-07-2026ના ઠરાવ તથા તા.31-07-2026ની માર્ગદર્શિકાનો પણ વિરોધ નોંધાવ્યો છે. રજૂઆત મુજબ, આ માર્ગદર્શિકા ખેડૂતોને સંપૂર્ણ વળતર આપતી ન હોવાથી તેને અગાઉ વિવિધ ગામોની ગ્રામ પંચાયતોના ઠરાવો મારફતે પણ પડકારવામાં આવી છે.
કેન્દ્રીય કાયદા એવા વીજળી અધિનિયમ અને ટેલિગ્રાફ અધિનિયમની જોગવાઈઓનું અક્ષરશઃ પાલન થવું જોઈએ અને રાજ્ય સરકારની કોઈ માર્ગદર્શિકા કે ઠરાવથી કેન્દ્રીય કાયદા હેઠળ મળતા હક્કો મર્યાદિત કરી શકાય નહીં, તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
આ ઉપરાંત, ટ્રાન્સમિશન લાઈનની કામગીરીના સંદર્ભમાં જમીન ધરાવતા ખેડૂતો સામે કંપની દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતો સામે અયોગ્ય ફરિયાદો દાખલ કરી તેમને આરોપીની સ્થિતિમાં મૂકવાની કાર્યવાહી અટકાવવા પણ કલેક્ટરને રજૂઆત કરાઈ છે.
ખેડૂતોએ અંતમાં કલેક્ટર કચેરી દ્વારા બજારભાવના વળતર અંગે આપવામાં આવેલી નોટીસ તાત્કાલિક રદ કરી, જમીનના રેકોર્ડમાં જરૂરી સુધારા કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.




