Jamnagar

લાલપુર નજીક સિંગચમાં બોગસ તબીબ ઝડપાયો : રૂ.14,431નો દવાઓ-સાધનોનો મુદ્દામાલ કબજે

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
લાલપુરના સિંગચ ગામમાં મહાનંદા કમળકંતા ગોસ્વામી નામનો બોગસ ડોક્ટર તબીબી લાયકાત વિના દર્દીઓની તપાસ કરી દવાઓ આપતો ઝડપાયો હતો. મેઘપર (પડાણા) પોલીસે તેની પાસેથી રૂ. 14,431નો મુદ્દામાલ જપ્ત કર્યો. ડો. મેહુલભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવતા, આરોગ્ય વિભાગ અને SOG ટીમે તપાસ કરી ગુનો દાખલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુર નજીક સિંગચમાં બોગસ તબીબ ઝડપાયો : રૂ.14,431નો દવાઓ-સાધનોનો મુદ્દામાલ કબજે

Jamnagar Bogus Doctor : લાલપુર તાલુકાના સિંગચ ગામના ખારી વિસ્તારમાં મેડિકલ ડિગ્રી કે તબીબી લાયકાત ન હોવા છતાં દર્દીઓની તપાસ કરી દવાઓ આપતા એક બોગસ તબીબને મેઘપર (પડાણા) પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી દવાઓ તથા તબીબી સાધનો મળી કુલ રૂ.14,431નો મુદ્દામાલ કબજે કરી મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ડો.મેહુલભાઈ જેન્તીભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ હરીપર ગામના પીએચસી સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેમજ મોડપર પીએચસી સેન્ટરનો વધારાનો ચાર્જ ધરાવે છે. તાલુકા હેલ્થ કચેરી, લાલપુર તરફથી સિંગચ ગામમાં મહાનંદા ગોસ્વામી નામનો વ્યક્તિ ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની મળેલી માહિતી અંગે તપાસ કરી અહેવાલ આપવા સૂચના મળતાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.
તા.12 ઓગસ્ટના રોજ સવારે આશરે 11 વાગ્યે ડો.મેહુલભાઈ ગોહિલ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા એસઓજીની ટીમ સિંગચ ગામના ખારી વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં મહાનંદા ગોસ્વામીના દવાખાનામાં તપાસ કરતાં તે હાજર મળી આવ્યો હતો. પંચોની હાજરીમાં દવાખાનાની તપાસ કરવામાં આવતા દર્દીઓને તપાસવા માટેની વ્યવસ્થા ઉપરાંત દવાઓ અને તબીબી સાધનો મળી આવ્યા હતા.
પોલીસ ફરિયાદ મુજબ મહાનંદા કમળકંતા ગોસ્વામી (ઉંમર 51) રહે-મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ સિંગચ ગામમાં રહેતો આરોપી કોઈ મેડિકલ ડોક્ટરની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં દર્દીઓને તપાસી દવાઓ આપતો હતો અને તેના બદલામાં નાણાં વસૂલતો હતો. આ રીતે લોકોની શારીરિક સલામતી અને જીવન જોખમમાં મુકાય તેવું કૃત્ય કર્યાના આક્ષેપસર પોલીસે દવાઓ તથા સાધનો મળી કુલ રૂ.14,431નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ-1963ની કલમ 30 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.