Jamnagar

વનતારા 'માધુરી' હાથણીને કોલ્હાપુર પરત મોકલશે: કહ્યું- અમે કસ્ટડી નહોતી માંગી, માત્ર સારવાર કરી છે

By GS Team
11 Sep 20263 mins read
TukuTouch Logo
જામનગરના વનતારા કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલી હાથણી માધુરીને હાઈ-પાવર્ડ કમિટીના આદેશ બાદ કોલ્હાપુર પરત મોકલવામાં આવશે. વનતારાના નિવેદન મુજબ, 09 સપ્ટેમ્બર 2026ના આદેશ અનુસાર, તેને કડક શરતો સાથે કોલ્હાપુરના નંદણી મઠ લઈ જવામાં આવશે. વનતારાના ડોકટરો દર 15 દિવસે તેની મેડિકલ તપાસ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વનતારા 'માધુરી' હાથણીને કોલ્હાપુર પરત મોકલશે: કહ્યું- અમે કસ્ટડી નહોતી માંગી, માત્ર સારવાર કરી છે

Elephant Madhuri to Return to Kolhapur Under Strict HPC Guidelines: Vantara Statement | મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 'મહાદેવી' તરીકે ઓળખાતી માધુરી હાથણીની કસ્ટડીને લગતા વિવાદમાં હાઈ-પાવર્ડ કમિટી દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના જામનગર સ્થિત વનતારા કેર સેન્ટર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, સમિતિના આદેશનું પાલન કરતાં માધુરીને કડક શરતો સાથે કોલ્હાપુર પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સારવાર માટે માધુરીને વનતારા લાવવામાં આવી હતી

માધુરી હાથણીને કોલ્હાપુરથી ગુજરાત લાવવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રમાં વિરોધ અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. હવે સમિતિએ 09 સપ્ટેમ્બર 2026ના રોજ આપેલા આદેશમાં અમુક ચોક્કસ નિયમો અને સુરક્ષા માપદંડો હેઠળ તેને કોલ્હાપુરના નંદણી મઠ પરત લઈ જવાની મંજૂરી આપી છે.

અમે માધુરીની કસ્ટડી માંગી નહોતી, કાયદાકીય આદેશ બાદ તે અહીં આવી હતી: વનતારા

વનતારાએ પોતાના સત્તાવાર નિવેદનમાં સમગ્ર મામલાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, માધુરી 30 જુલાઈ 2025ના રોજ હાઈ-પાવર્ડ કમિટીના આદેશ હેઠળ જામનગર પહોંચી હતી, જેને બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયદેસર ગણાવવામાં આવી હતી. અમે ક્યારેય આ હાથણીની માલિકી કે કસ્ટડી માંગી નહોતી, પરંતુ કાનૂની નિર્દેશ હોવાના કારણે તેની દેખભાળ અને સારવાર હાથ ધરી હતી.

અમે 2025માં જ કહ્યું હતું કે તંત્રના આદેશોનું પાલન કરીશું: વનતારા

મહારાષ્ટ્ર સરકાર, સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત હિતધારકો સાથે ચર્ચા બાદ 06 ઓગસ્ટ 2025ના રોજ જ સંસ્થાએ જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક લાગણીઓનું સન્માન કરે છે અને સક્ષમ તંત્રના આદેશનું પાલન કરશે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પક્ષકારોની દલીલો સાંભળીને, નિરીક્ષણ અહેવાલો ચકાસીને અને નંદણી સ્થિત મઠની સુવિધાઓનું મૂલ્યાંકન કર્યા પછી HPCએ 09 સપ્ટેમ્બર 2026ના રોજ શરતી મંજૂરી આપી છે.

  1. સરઘસ પર સંપૂર્ણ પ્રતિબંધ: માધુરીનો ઉપયોગ કોઈપણ ધાર્મિક સરઘસ કે અન્ય સાર્વજનિક પ્રવૃત્તિ માટે કરી શકાશે નહીં.
  2. રાઉન્ડ ધ ક્લોક કેર: સ્થળ પર સતત 24 કલાક યોગ્ય દેખરેખ અને સહાયક વ્યવસ્થા જાળવવી પડશે.
  3. નિયમિત મેડિકલ બુલેટિન: દર પંદર દિવસે તેનું સંપૂર્ણ તબીબી પરીક્ષણ ફરજિયાત રહેશે.

માધુરીની સ્થિતિ સુધરી, દર 15 દિવસે વનતારાના ડૉક્ટર્સ મેડિકલ તપાસ કરશે

વનતારાએ જણાવ્યું છે કે, લાંબા સમયની વેટરનરી સારવારથી માધુરીની સ્થિતિ સ્થિર જરૂર થઈ છે, પરંતુ તેની જૂની અને ગંભીર ક્રોનિક બીમારીઓ હજુ પણ છે જ. તેને ભવિષ્યમાં પણ સતત દવાઓ અને મોનિટરિંગની જરૂર છે. અમારી જવાબદારી માધુરીના કોલ્હાપુર પરત ફરવાથી પૂરી થતી નથી. ટ્રાન્ઝિશનને સરળ બનાવવા માટે જરૂરી વેટરનરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ સાધનો અને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે. HPC ના આદેશ મુજબ, વનતારાના ડોક્ટર્સ દર પંદર દિવસે કોલ્હાપુર જઈને તેની મેડિકલ તપાસ કરશે અને સક્ષમ સત્તાવાળાઓને રિપોર્ટ સોંપશે.

માધુરી માટે મઠમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં પણ મદદ કરશે વનતારા

માધુરી જે પરિસરમાં પાછી ફરી રહી છે તે નંદણી મઠ ખાતે ઉપલબ્ધ જગ્યામાં હાલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે, ટ્રસ્ટની જમીનમાંથી એક સાર્વજનિક રસ્તો પસાર થતો હોવાથી ટાઉન પ્લાનિંગના નિયમો મુજબ ત્યાં વધુ મોટું બાંધકામ કે વિસ્તરણ થઈ શક્યું નથી. વનતારાએ કહ્યું છે કે માધુરી ત્યાં વ્યવસ્થિત સ્થિર થઈ જાય તે પછી પરિસરના અપગ્રેડેશન માટે તેઓ મઠને સહાય પૂરી પાડવા તૈયાર રહેશે, અથવા અદાલત કે સક્ષમ ઓથોરિટી તરફથી જે આદેશ આપવામાં આવશે તેનું પાલન કરશે.

વનતારાએ પુનરોચ્ચાર કર્યો છે કે માધુરીનું કલ્યાણ અને સ્વાસ્થ્ય તેમની પ્રથમ પ્રાથમિકતા છે, અને તે ક્યાં રહે છે તેના કરતાં તેની યોગ્ય સારવાર અને ગરિમા જળવાય તે સૌથી વધુ મહત્ત્વનું છે.