જામનગર જિલ્લાના ખેડૂતો માટે સૌની યોજનાથી ડેમોમાં પાણી ભરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Congress : જામનગર જિલ્લામાં વરસાદની અછત અને સિંચાઈના પાણીની સમસ્યાના કારણે ખેડૂતોના સુકાતા પાકને બચાવવા સરકાર દ્વારા સૌની યોજના મારફતે ડેમોમાં પાણી ભરવામાં આવે તેમજ સિંચાઈની કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરીયાએ રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી અને જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદની અછતના કારણે ખેડૂતો પોતાના ઉભા પાકને બચાવવા માટે ચિંતિત બન્યા છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક તાલુકાવાર વરસાદ, ડેમોની જળસપાટી, પાકની સ્થિતિ તેમજ પાણીની જરૂરિયાત અંગેના સત્તાવાર આંકડા જાહેર કરવા જોઈએ. ઉપરાંત, દુષ્કાળ જાહેર કરવા માટેના લાગુ માપદંડો મુજબ તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સૌની યોજના સહિત ઉપલબ્ધ જળસ્ત્રોતોમાંથી શક્ય હોય ત્યાં સુધી જામનગર જિલ્લાના ડેમોમાં તાત્કાલિક પાણી પહોંચાડવામાં આવે અને ઉપલબ્ધ સિંચાઈના પાણીનું આયોજન કરીને કેનાલોમાં પાણી છોડવામાં આવે, જેથી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.
વીજ લાઈન-થાંભલાની ફરિયાદોના ઝડપી નિકાલની માંગ
ખેડૂતો તરફથી ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં વીજ લાઈનો નાખવા અને વીજ થાંભલા ઉભા કરવા બાબતે પણ ફરિયાદો અને વાંધાઓ સામે આવી રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આવા દરેક કિસ્સામાં જમીનમાલિકોના કાયદેસરના અધિકારો, લાગુ પ્રક્રિયા અને વળતર અંગે સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવે તેમજ ખેડૂતોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.




