જામનગરમાં ઘરમાં દારૂ પીને તોફાન મચાવનાર પિતા અને ભાઈ સહિત બે સામે ગુના નોંધાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરમાં ઘરમાં દારૂના નશામાં તોફાન મચાવવાના બે અલગ-અલગ બનાવોમાં પરિવારજનો દ્વારા 112 ઇમર્જન્સી સેવામાં ફોન કરાતા પોલીસે કાર્યવાહી કરી હતી. બંને બનાવોમાં પોલીસ આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને દારૂ પીવા માટેનો કોઈ પરમિટ રજૂ કરી શક્યા ન હોવાથી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.
પ્રથમ બનાવ એરફોર્સ રોડ સ્થિત ડિફેન્સ કોલોનીનો છે. અહીં પ્રિયાબેન લક્ષ્મણભાઈ રાય (ઉ.વ. 22)એ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઈ મનીષભાઈ લક્ષ્મણભાઈ રાય (ઉ.વ. 28) તા. 5 ઓગસ્ટની રાત્રે દારૂના નશામાં ઘરે આવી તોફાન મચાવી રહ્યા હતા. જેથી તેમણે 112 ઇમર્જન્સી સેવામાં ફોન કર્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી મનીષભાઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પંચોની હાજરીમાં તપાસ દરમિયાન તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હતા. દારૂ પીવાનો કોઈ પરમિટ રજૂ કરી શક્યા ન હોવાથી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બીજો બનાવ શંકર ટેકરીના ગણેશવાસ વિસ્તારમાં બન્યો હતો. અહીં કેટરિંગનું કામ કરતી મુસ્કાન દિલીપભાઈ માલાણીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા દિલીપભાઈ કેશુભાઈ માલાણી (ઉ.વ. 58) તા. 5 ઓગસ્ટની રાત્રે દારૂના નશામાં ઘરે આવી તોફાન મચાવતા હોવાથી તેમણે 112 ઇમર્જન્સી સેવામાં જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી તેમને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. તપાસ દરમિયાન તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી તેમજ શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું સામે આવ્યું હતું. દારૂ પીવા માટેનો કોઈ પરમિટ રજૂ કરી શક્યા ન હોવાથી તેમની સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.









