જામનગરના ધુતારપર ગામના ખેડૂત સાથે રૂ.23 લાખની છેતરપિંડીની ફરિયાદ : બેન્ક ઓફ બરોડાના કર્મચારી સામે આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Fraud Case : ધુતારપર ગામના એક ખેડૂતે પોતાની ખેતીની જમીન ઉપર બેંકમાંથી મંજૂર થયેલા રૂ.20 લાખના ધિરાણની રકમ તથા પત્નીના બેંક ખાતામાંથી આશરે રૂ.3 લાખ મળી કુલ રૂ.23 લાખની રકમ તેની જાણ બહાર ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ધુતારપર ગામના પરસોતમભાઈ ચનાભાઈ લીંબાસીયા (ઉં.વ.51)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ધુતારપર ગામે કુલ આશરે 80 વીઘા ખેતીની જમીન આવેલી છે. જેમાં નવા સર્વે નં.1117ની 20 વીઘા જમીન તેમના નામે તથા સર્વે નં.705ની 40 વીઘા જમીન તેમના તથા તેમના માતા ઉજીબેન ચનાભાઈના નામે છે. વર્ષ 2024માં ખેતીની જમીન ઉપર ધિરાણ લેવા માટે તેઓ ધુતારપર ગામની બેંક ઓફ બરોડા શાખામાં ગયા હતા.
ફરિયાદ મુજબ, તા.13 નવેમ્બર 2024ના રોજ બેંક મેનેજરને મળીને બંને સર્વે નંબરની જમીન ઉપર રૂ.10-10 લાખ મળી કુલ રૂ.20 લાખનું ધિરાણ લેવાની વાત કરી હતી. બેંક સ્ટાફ દ્વારા જરૂરી કાગળોની ફાઇલ તૈયાર કરવામાં આવી હતી અને અલગ-અલગ કાગળો ઉપર સહીઓ લેવામાં આવી હતી. ત્યારબાદ રૂ.20 લાખનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું.
ફરિયાદીનો આક્ષેપ છે કે, બેંકનો સમય પૂરો થઈ જતાં બેન્કના (કેશિયર) કર્મચારી દિપેનભાઈ કુછડીયાએ બીજા દિવસે બેંકમાંથી રૂ.20 લાખ લઈ જવા જણાવ્યું હતું. બીજા દિવસે બેંકમાં જતાં દિપેનભાઈએ તેમના બચત ખાતામાં રૂપિયા જમા થઈ ગયા હોવાનું, પરંતુ બેંકમાં કનેક્ટિવિટી ન હોવાથી રકમ ઉપડી શકતી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કનેક્ટિવિટી શરૂ થાય ત્યારે ફોન કરવાની વાત કરી હતી. પરિવારજનોના મરણ પ્રસંગમાં રોકાયેલા હોવાથી ફરિયાદી થોડા દિવસ બેંક જઈ શક્યા ન હતા. દરમિયાન દિપેનભાઈને ફોન કરતાં તેઓ અલગ-અલગ બહાના બતાવતા રહ્યા હતા.
શંકા જતાં ફરિયાદીએ બેંકમાં તપાસ કરતાં તેમના તથા તેમના માતાના ખાતામાંથી રૂ.10-10 લાખ મળી કુલ રૂ.20 લાખ ઉપડી ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે બેંક મેનેજર પાસેથી યોગ્ય જવાબ ન મળ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફરિયાદીએ જણાવ્યું છે કે, તેમની પત્ની જ્યોત્સનાબેનનું પણ ધુતારપરની બેંક ઓફ બરોડા શાખામાં બચત ખાતું છે. ફરિયાદીને ચેક ભરતા આવડતું ન હોવાથી અગાઉ તેઓ બેન્કના સ્ટાફ દિપેનભાઈ કુછડીયાને પત્નીની ચેકબુક આપતા અને પોતે જણાવે તેટલી રકમનો ચેક ભરી બેંકમાંથી રકમ ઉપાડી આપતા હતા. બાદમાં પત્નીના ખાતાની તપાસ કરતાં તેમની જાણ બહાર આશરે રૂ.3 લાખ ઉપડી ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદીના આક્ષેપ મુજબ, દિપેનભાઈએ પત્નીની સહીવાળો ચેક પોતાની પાસે રાખી લઈ તેમાં રકમ ભરી રૂપિયા ઉપાડી લીધા હતા.
આમ, પોતાની તથા માતાની ખેતીની જમીન ઉપર મંજૂર થયેલા રૂ.20 લાખના ધિરાણમાંથી રકમ અને પત્નીના ખાતામાંથી આશરે રૂ.3 લાખ મળી કુલ રૂ.23 લાખની રકમ પોતાની જાણ બહાર ઉપાડી લઈ દિપેનભાઈ કુછડીયા (રહે. લક્ષ્મીપાર્ક, જામનગર) દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ કરી પરસોતમભાઈ લીંબાસીયાએ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.









