Jamnagar

જામનગરના ગુલાબનગરમાં ચાની હોટલ પાસે તલવાર પાઇપ અને કાચના ગ્લાસથી હુમલાની ફરિયાદ : સામા પક્ષે પણ ગાળો-ધમકીની ફરિયાદ

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં લક્કી હોટલ પાસે ચા પીવા બાબતે થયેલી બોલાચાલી ઝઘડામાં પરિણમી. બે જૂથ વચ્ચે મારામારી થતાં સિટી-બી પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. હાજીભાઈ ખફીએ 4 શખ્સો સામે તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલાની ફરિયાદ કરી, જેમાં સ્કોર્પિયો કારને પણ નુકસાન થયું. વળતી ફરિયાદમાં શાહરૂખ હમીરાણીએ હાજીભાઈ સામે કાચના ગ્લાસથી હુમલાનો આરોપ લગાવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગુલાબનગરમાં ચાની હોટલ પાસે તલવાર પાઇપ અને કાચના ગ્લાસથી હુમલાની ફરિયાદ : સામા પક્ષે પણ ગાળો-ધમકીની ફરિયાદ

Jamnagar Crime : જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં લક્કી હોટલ પાસે ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે થયેલા ઝઘડામાં સિટી- બી પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. બંને ફરિયાદમાં એકબીજા સામે મારામારી, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો કરવામાં આવ્યા છે.
પ્રથમ ફરિયાદમાં મોરકંડા રોડ રબાની પાર્ક વિસ્તારમાં રહેતા હાજીભાઈ અયુબભાઈ ખફીએ શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણી સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ હાજીભાઈ પોતાના મિત્રો શકીલ અને કાસમ સાથે સ્કોર્પિયો કારમાં ગુલાબનગરની લક્કી હોટલ પાસે ચા પીવા ગયા હતા. ચા અને સિગારેટ માંગવાના મુદ્દે શાહરૂખ સાથે બોલાચાલી થતાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ઈન્ડિયન પેટ્રોલ પંપ પાસે ઊભા હતા ત્યારે આરોપીઓ કારમાં આવી પહોંચ્યા હતા.
ફરિયાદ મુજબ એક આરોપી તલવાર લઈને આવ્યો હતો અને હુમલો કરતાં ફરિયાદીએ હાથથી બચાવ કરતા ડાબી હથેળીમાં ઇજા થઈ હતી. અન્ય આરોપીએ લોખંડના પાઇપ વડે ફરિયાદીની સ્કોર્પિયો કારના કાચ અને બોનેટના કાચમાં ઘા મારી નુકસાન કર્યું હતું. ફરિયાદીના મિત્રો સાથે પણ ઢીંકાપાટુની મારામારી કરાઈ હોવાનો આક્ષેપ છે.
ત્યારબાદ ફરિયાદીને આરઝુ હોટલ પાસે લઈ જવાયો હતો, જ્યાં હનીફ નામના વ્યક્તિ સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદીને લાકડાના ધોકાથી ખભા તથા પગમાં ઘા મારવામાં આવતા ડાબા હાથની હથેળીમાં ચાર ટાંકા આવ્યા હોવાનું જણાવાયું છે. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
સામા પક્ષની ફરિયાદમાં કાચના ગ્લાસથી હુમલાનો આક્ષેપ

આ જ બનાવ અંગે શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણીએ હાજીભાઈ અયુબભાઈ ખફી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ હાજીભાઈ સ્કોર્પિયો કાર લઈને ચાની દુકાને આવ્યા હતા અને બે દિવસ અગાઉ થાર કાર લઈને જતા સમયે કતરાઈને જોવાના મુદ્દે બોલાચાલી કરી હતી. બાદમાં ગાળો આપી ચાના થડા પર પડેલા ખાલી કાચના ગ્લાસના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
આ રીતે ગુલાબનગરના એક જ બનાવમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા સિટી-બી પોલીસે બંને ફરિયાદના આધારે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.