15 વર્ષની સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Court : જામનગર જિલ્લામાં 15 વર્ષની સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી વિજય ટોયટાએ ચાર્જશીટ બાદ જામીન પર મુક્ત થવા માટે કરેલી અરજી જામનગરની પોક્સો અદાલતે નામંજૂર કરી છે.
આ કેસમાં સગીરાના વાલીએ તા.11 જુલાઈના રોજ વિજય ટોયટા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પોતાની 15 વર્ષની સગીર વયની પુત્રીને ધાક-ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ તથા પોક્સો અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આરોપી વિજય ટોયટાની ધરપકડ કરી હતી.
આરોપી જેલમાં ગયા બાદ પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ આરોપીએ જામીન પર મુક્ત થવા માટે સેશન્સ અદાલતમાં અરજી કરી હતી. આ અરજીના વિરોધમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ પ્રકારનો ગુનો સમાજ પર ગંભીર અસર કરનારો છે. આરોપીએ 15 વર્ષની સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ છે અને તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. તેથી આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઈએ. બંને પક્ષોની રજૂઆત તથા કેસની હકીકતોને ધ્યાને લીધા બાદ જામનગરની પોક્સો અદાલતે આરોપી વિજય ટોયટાની જામીન અરજી નામંજૂર કરી હતી.




