જામનગરના બેડ નજીક રસુલનગરમાં મોબાઇલ સ્ટેટસ મુદ્દે બોલાચાલી બાદ હુમલો : એકને માથામાં ગંભીર ઇજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર તાલુકાના બેડ નજીક રસુલનગર ગામમાં મોહરમના તહેવાર દરમિયાન મોબાઇલ સ્ટેટસ બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક વ્યક્તિને માથામાં ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદી મોસીન હનીફભાઈ કકલ (ઉ.વ.32, રહે. રસુલનગર, જામનગર) નોંધાવેલી ફરિયાદ મુજબ તા.25 ના રોજ મોહરમના તહેવાર નિમિત્તે તેમના મામા ઈશાકભાઈ ઘરે આવ્યા હતા. સાંજે નમાજ અદા કર્યા બાદ મસ્જિદ બહાર ગામના કેટલાક શખ્સોએ તેમને ઈમામ ચોક ખાતે બોલાવ્યા હતા.
ત્યાં હાજર જુબેર જુનુસ સુભાણીયા અને જુનુસ ભટ્ટી ઉર્ફે તલવારિયાએ ઈશાકભાઈને મોબાઇલમાં રાખેલા સ્ટેટસ બાબતે પ્રશ્નો કરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ઈશાકભાઈએ વિરોધ કરતાં મામલો ઉગ્ર બન્યો હતો.
ફરિયાદ મુજબ જુનુસ ભટ્ટી ઉર્ફે તલવારિયાએ લાકડાના ધોકા વડે ઈશાકભાઈ પર હુમલો કર્યો હતો. દરમિયાન ફરિયાદી મોસીન વચ્ચે પડતા જુબેર જુનુસ સુભાણીયાએ તેમના ગાલ પર માર માર્યો હતો. ત્યારબાદ જુસબ અબ્દુલ સુભાણીયાએ વજન કરવા માટે વપરાતું તોલું (વજનીયું) ઈશાકભાઈના માથામાં ફટકારતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ત્યારબાદ જુનસ મામદ સુભાણીયા, આબીદ કરીમ કેરેચા અને રજાક આદમ જેઠા પણ ઘટનાસ્થળે પહોંચી ફરિયાદી તથા ઈશાકભાઈને ઢીકા-પાટુનો માર માર્યો હતો.
બૂમાબૂમ થતાં ગામના લોકો અને પરિવારજનો વચ્ચે પડી બંનેને વધુ મારથી બચાવ્યા હતા. ઈશાકભાઈના માથામાં ગંભીર ઇજા થતાં કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બંને ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી.હોસ્પિટલ, જામનગર ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદી મોસીનને સામાન્ય ઇજા થઈ હોવાનું જ્યારે ઈશાકભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચતા ડોક્ટરોએ હેમરેજ જેવી સ્થિતિ હોવાનું જણાવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર બનાવ મોબાઇલ સ્ટેટસ બાબતે થયેલા વિવાદને પગલે બન્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે સંબંધિત આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




