જામનગરના ધ્રોલ પંથકમાં ખેતરમાં ઈલેક્ટ્રિક મોટરનો વાયર રિપેર કરતી વેળાએ કરંટ લાગતાં વૃદ્ધનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : ધ્રોલ તાલુકાના ખીજડિયા ગામની સીમમાં આવેલી વાડી ખાતે ઈલેક્ટ્રિક મોટરનો વાયર રિપેર કરતી વેળાએ અચાનક કરંટ લાગતાં 65 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ જાળિયા માનસર ગામના હરસુખભાઈ કરમશીભાઈ રામોલીયા (ઉ.વ. 65)ની ખીજડિયા ગામની સીમમાં વાડી આવેલી છે. તા.10 સપ્ટેમ્બરના સાંજના છથી સાડા સાત વાગ્યાના અરસામાં તેમની ઈલેક્ટ્રિક મોટરનો વાયર સ્ટાર્ટરમાંથી નીકળી જતાં તેઓ વાયર રિપેર કરવા ગયા હતા.
દરમિયાન વાયર રિપેર કરતી વખતે અચાનક હરસુખભાઈના જમણા હાથની હથેળીના ભાગે ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. કરંટ લાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસી હરસુખભાઈનું ઈલેક્ટ્રિક શોકના કારણે મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે તેમના પુત્ર પ્રકાશભાઈ હરસુખભાઈ રામોલીયાએ ધ્રોલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.




