Jamnagar

જામનગર જિલ્લાના કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.2.53 કરોડની ઉઘરાણીનો આક્ષેપ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના કાલાવડમાં નાણાં ધીરધાર અને જમીનના વ્યવહારને લગતા 2 ગુના નોંધાયા છે. રાજકોટના અલ્પેશ દોંગા સહિત 3 આરોપીઓએ 66 વર્ષીય જમનભાઈ વસોયાની નાણાકીય ભીંસનો લાભ લઈ ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવી, ઊંચા વ્યાજે 16.87 લાખ પડાવ્યા. અન્ય કેસમાં અલ્પેશ દોંગા સહિત 5 સામે રૂ.20 લાખની લોન આપી 1.25 કરોડથી વધુની પઠાણી ઉઘરાણી અને ધમકીનો ગુનો નોંધાયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.2.53 કરોડની ઉઘરાણીનો આક્ષેપ

Jamnagar News : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં નાણાં ધીરધાર અને જમીનના વ્યવહારને લગતા બે અલગ બનાવમાં પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવ્યા છે. બંને બનાવમાં આરોપીઓ દ્વારા નાણાકીય ભીંસ અને લાચારીનો લાભ લઈ ઊંચા વ્યાજે નાણાં આપી જમીનના દસ્તાવેજો કરાવી લીધા બાદ મોટી રકમની ઉઘરાણી કરાઈ હોવાના આક્ષેપ થયા છે. કાલાવડ ટાઉન પોલીસમાં હરીપર (ખંઢેરા) ગામના 66 વર્ષીય જમનભાઈ વસોયાએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ અલ્પેશભાઈ ગોવિંદભાઈ દોંગા, ધર્મેન્દ્રભાઈ મીઠાભાઈ ઠેસિયા અને નાગજીભાઈ માઘાભાઈ નસિત (રહે. રાજકોટ) સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીની નાણાકીય ભીંસનો લાભ લઈ ખેતીની જમીનનો દસ્તાવેજ ધર્મેન્દ્રભાઈ તથા નાગજીભાઈના નામે કરાવ્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ બંનેએ રૂ.12.80 લાખ આપ્યા બાદ અલ્પેશભાઈ દોંગાએ માસિક 2.75 ટકા વ્યાજે રૂ.3.87 લાખની ઉઘરાણી કરી હતી. ત્યારબાદ રૂ.13 લાખની મૂળ રકમ પણ ડરાવી-ધમકાવી જમા કરાવડાવી હોવાનો અને કુલ રૂ.16.87 લાખ ચૂકવ્યા છતાં જમીન ખાલી કરાવવા તથા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે.
બીજી તરફ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં નિકાવાના પરેશભાઈ સોજીત્રાએ અલ્પેશભાઈ દોંગા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રૂ.20 લાખની ખેતીની લોન આપી માસિક 2.5 ટકા વ્યાજ વસૂલવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીની 14 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હોવાનો આક્ષેપ છે. વ્યાજ પેટે રૂ.50 હજાર વસૂલવા ઉપરાંત જમીન પરત મેળવવા માટે અલગ-અલગ રીતે રૂ.1.25 કરોડથી વધુની રકમ પડાવી લેવાનો, પઠાણી ઉઘરાણી કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ થયો છે.
કાલાવડ ટાઉન પોલીસે આ મામલે અલ્પેશભાઈ દોંગા, ધર્મેન્દ્રભાઈ ઠેસિયા અને નાગજીભાઈ નસિત સામે જ્યારે કાલાવડ ગ્રામ્ય પોલીસે અલ્પેશભાઈ દોંગા, અક્ષીતભાઈ અકબરી, આકાશ ડાંગર, વાઘુ વિરા ડાંગર તથા રણજીતભાઈ જળુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.