Jamnagar

જામનગરમાં સંવત્સરીના સમૂહ પ્રતિક્રમણ બાદ જૈનોએ પરસ્પર ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી ક્ષમાયાચના કરી

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં જૈન સમાજે પવિત્ર પર્યુષણ મહાપર્વની સંવત્સરી ભાવભક્તિથી ઉજવી. વિવિધ દેરાસરોમાં વિશેષ પૂજા, ઉપાશ્રયોમાં ધાર્મિક વ્યાખ્યાનો યોજાયા. સાંજે સમૂહ પ્રતિક્રમણ બાદ ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી ક્ષમાયાચના કરી. 121 તપસ્વીઓના સમૂહ પારણાં બાદ આજે બપોરે 2:30 કલાકે શેઠજી દેરાસરથી ભવ્ય રથયાત્રા નીકળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સંવત્સરીના સમૂહ પ્રતિક્રમણ બાદ જૈનોએ પરસ્પર ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી ક્ષમાયાચના કરી

Jamnagar News : જામનગરમાં જૈન સમાજના પવિત્ર પર્યુષણ મહાપર્વની સંવત્સરી નિમિત્તે મંગળવારે ભાવભક્તિ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ દેરાસરોમાં વિશેષ પૂજા તથા ઉપાશ્રયોમાં આચાર્યદેવ, મુનિ મહારાજો અને સાધ્વીજી મહારાજોની નિશ્રામાં ધાર્મિક વ્યાખ્યાનો યોજાયા હતા. સાંજે સમૂહ પ્રતિક્રમણ યોજાયા બાદ જૈન શ્રાવક-શ્રાવિકાઓએ પરસ્પર ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી જાણતાં-અજાણતાં થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરી હતી અને પરસ્પર પ્રેમ, એકતા તથા ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો.
સંવત્સરી મહાપર્વ નિમિત્તે સવારે 8થી 11 દરમિયાન આવશ્યક સૂત્રનું વિધિવત્ વાંચન તથા દર્શન યોજાયા હતા. વહેલી સવારે પૌષધ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત શેઠજી દેરાસર, ચોરીવાળા દેરાસર, ઓશવાળ કોલોની, કામદાર કોલોની, પટેલ કોલોની તથા પેલેસ રોડ સહિતના વિવિધ દેરાસરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
સવારે 9થી 11 દરમિયાન શહેરના વિવિધ ઉપાશ્રયોમાં આચાર્ય શ્રી મેઘદર્શનસૂરીશ્વરજી સહિતના મુનિ મહારાજો અને સાધ્વીજી મહારાજોની નિશ્રામાં ધાર્મિક પ્રવચનો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે ઉપાશ્રયોમાં સમૂહ પ્રતિક્રમણ યોજાયા બાદ સહુએ એકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી ક્ષમા માગી હતી.
દરમિયાન પર્યુષણ મહાપર્વ દરમિયાન કઠોર તપશ્ચર્યા કરનારા તપસ્વીઓના તપની પૂર્ણાહુતિ નિમિત્તે આજે સવારે 8:30 કલાકે અમૃતવાડી ખાતે વીસા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ દ્વારા 121 તપસ્વીઓના સમૂહ પારણાંનું આયોજન કરવામાં આવ્યું છે. આ તપસ્વીઓમાં 35 ઉપવાસ, 30 ઉપવાસ, 18 ઉપવાસ, 9 ઉપવાસ, અઠ્ઠાઈ તથા સિદ્ધિતપ જેવી વિવિધ કઠોર આરાધના કરનારા તપસ્વીઓનો સમાવેશ થાય છે.
પારણાં બાદ આજે બપોરે 2:30 કલાકે ચાંદી બજાર સ્થિત શેઠજી દેરાસર ખાતેથી ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળશે. રથયાત્રામાં જૈન સમાજના ભાઈઓ પરંપરાગત શ્વેત જૈન પોષાકમાં જોડાઈ રથનું વહન કરશે. રથયાત્રા ચાંદી બજાર, રણજીત રોડ, પંચેશ્વર ટાવર અને સેન્ટ્રલ બેન્ક રોડ થઈ પરત ચાંદી બજાર સ્થિત શેઠજી દેરાસર ખાતે પહોંચશે અને ત્યાં પૂર્ણ થશે. પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિના આ પાવન પ્રસંગે જામનગરના જૈન સમાજમાં ભક્તિ, ક્ષમા, સંયમ અને ભાઈચારાનો માહોલ છવાયો છે.