જામનગરના ચેલામાં કારખાનામાં ડ્રો મશીનમાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનો હાથ મશીનમાં ફસાઇ જતા કરૂણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર તાલુકાના ચેલા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક કારખાનામાં ડ્રો મશીનમાં શર્ટ ફસાઈ જતાં હાથ પણ મશીનમાં આવી જવાથી મૂળ બિહારના 20 વર્ષીય શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મશીનમાં ખેંચાઈ જવાના કારણે યુવાનના શરીરમાંથી અવયવો બહાર આવી જતાં ગંભીર હાલત સર્જાઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
બનાવની વિગતો મુજબ, ચેલા ખાતે વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નં.241માં આવેલા ઇન્ડિયન બ્રાસ નામના કારખાનામાં મૂળ બિહારના રહેવાસી રહીસકુમાર સંતોષપાલ (ઉ.વ. 20) મજૂરી કામ કરતા હતા. તા.10 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 10 વાગ્યાના અરસામાં તેઓ ડ્રો મશીનમાં સળિયા નાખવાનું કામ કરી રહ્યા હતા.
દરમિયાન તેમણે પહેરેલું શર્ટ અચાનક ડ્રો મશીનમાં ફસાઈ ગયું હતું. શર્ટ મશીનમાં ખેંચાઈ જતાં રહીસકુમારને ડાબા ખભાથી છાતીના ભાગ સુધી અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાની ગંભીરતાના કારણે છાતીના ભાગેથી શરીરના અંદરના અવયવો બહાર આવી જતાં બનાવસ્થળે ભારે ગભરાટ ફેલાયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા રહીસકુમારને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની હાલત વધુ ગંભીર બનતાં અંતે તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે સોનુકુમાર બ્રહ્મદેવ ભગતે જાણ કરતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ.ની કલમ 194 મુજબ અપમૃત્યુ નોંધવામાં આવ્યું છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.




