જામનગરના સિક્કામાં જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી યુવક પર છરીથી હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર તાલુકાના સિક્કા વિસ્તારમાં દોઢેક વર્ષ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ એકસંપ થઈ યુવક પર છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદી સબીર ઈબ્રાહીમ ધોડીવારા (ઉ.વ.41, રહે. સિક્કા, તાલાબ કોલોની પાસે, ચિશ્તિયા ચોક, દાઉદ જેડાની દુકાનની બાજુમાં) ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સબીરભાઈ રોજની જેમ વહેલી સવારે નમાજ માટે જતા હતા. દરમિયાન સવા પાંચેક વાગ્યાના અરસામાં જૂની મચ્છીપીઠથી યાસીન મેપાણીના ઘર પાસેથી પસાર થતાં યાસીન મેપાણી, સલીયો તથા ઈમુડો સુંભણિયા ત્યાં બેઠેલા હતા. ત્રણેયે તેમને રોકી અગાઉ આ તરફથી નહીં નીકળવા જણાવતાં સબીરભાઈ ત્યાંથી ડરીને ભાગી ગયા હતા.
ત્યારબાદ ઘરે જઈ કપડાં બદલીને બહાર નીકળ્યા બાદ શહીદી હૂસેની ચોક પાસે પહોંચતાં ફરીથી ત્રણેય શખ્સોએ તેમને રોકી ગાળો આપી હતી. આ દરમિયાન સલીયાએ છરી કાઢી ‘આજ તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી છરી યાસીનને આપી હતી. યાસીને છરીથી હુમલો કરતાં સબીરભાઈએ જમણા હાથથી છરી પકડી લેતાં હથેળીમાં ઊંડો ઘા થયો હતો. છરી ખેંચતી વખતે હથેળીની નસો કપાઈ જતાં લોહી વહેવા લાગ્યું હતું.
આ પછી પણ યાસીને છરી વડે હુમલો કરી જમણા હાથના ખભા પાસે પીઠના ભાગે ત્રણ ઘા તથા માથાના વચ્ચેના ભાગે એક ઘા માર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. માથામાં ઈજા થતાં ટાંકા પણ આવ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. હુમલા દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો બહાર આવતાં ત્રણેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સબીરભાઈને પ્રથમ સિક્કાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી મુજબ આશરે દોઢ વર્ષ અગાઉ યાસીન અને સલીયા સાથે તેમના ઘર પાસેથી પસાર થવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખી યાસીન, સલીયો અને ઈમુડોએ એકસંપ થઈ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. સિક્કા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




