જામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં ગઈ રાતે યુવાન પર છરીથી હુમલો : 4 શખ્સો સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં મિત્ર વચ્ચે ચાલતા ઝઘડામાં છોડાવવા ગયેલા એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં યુવાનને હાથ, બગલ અને ગાલના ભાગે ઇજા થતાં તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે એક શખ્સ અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, પ્રણામી ટાઉનશીપ શેરી નં. 1 ખાતે રહેતા અને મજૂરી કામ કરતા રાજભા જબ્બરસિંહ રાઠોડ ગઈ તા. ૩ જુલાઈની રાત્રે આશરે દસ વાગ્યે ત્રીજા ગેટ તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સાધના કોલોનીના જલારામ ચોક ખાતે પહોંચતા તેમના મિત્ર કુણાલ મદનલાલ કોકડે અને રામજી બીગુ શાહ વચ્ચે ઝઘડો ચાલતો હતો. રાજભા મિત્રને છોડાવવા વચ્ચે પડતા રામજી શાહ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની સાથે બોલાચાલી કરી મારામારી શરૂ કરી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, દરમિયાન રામજી શાહ છરી લઈ આવ્યો હતો અને રાજભાના ડાબા હાથના કાંડા, ડાબી બાજુ બગલની નીચે તેમજ ડાબા ગાલના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ પણ ઢીકા-પાટુનો માર મારતાં રાજભાને શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો એકત્ર થતાં હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા.
ઈજાગ્રસ્ત રાજભા પોતાના ફુવાના ઘરે પહોંચ્યા બાદ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડાબા હાથના કાંડા તથા બગલના ભાગે ટાંકા લેવામાં આવ્યા હોવાનું તેમજ ગાલ સહિત શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ હોવાનું તબીબોએ નોંધ્યું છે. હાલ તેમની સારવાર ચાલુ છે.
આ સમગ્ર બનાવ અંગે રાજભા જબ્બરસિંહ રાઠોડની ફરિયાદના આધારે સીટી 'એ' ડિવિઝન પોલીસે રામજી બીગુ શાહ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









