Jamnagar

જામનગરમાં રહેતા કોમ્પ્યુટર ઈજનેર યુવાને ફેસબુકની લિંક ક્લિક કરતાં જ બેંક ખાતામાંથી રૂ.95 હજાર ઉપડી ગયા

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં વધુ એક સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ખોડિયાર પોલીસ ચોકી પાસે રહેતા 48 વર્ષીય હિતેશભાઈ નાખવા સાથે આ ઘટના બની હતી. 4 સપ્ટેમ્બરે ફેસબુક લિંક પર ક્લિક કરતા "આઈપીટીવી એપીકે" ફાઈલ ડાઉનલોડ થઈ અને ICICI બેંક ખાતામાંથી Google Pay દ્વારા 95,000 રૂપિયા ઉપડી ગયા. હિતેશભાઈએ 1930 પર ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રહેતા કોમ્પ્યુટર ઈજનેર યુવાને ફેસબુકની લિંક ક્લિક કરતાં જ બેંક ખાતામાંથી રૂ.95 હજાર ઉપડી ગયા

Jamnagar Fraud Case : જામનગરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ખોડિયાર પોલીસ ચોકી પાસે રહેતા અને ખાવડી ખાતે ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 48 વર્ષીય હિતેશભાઈ કલ્યાણજીભાઈ નાખવા સાથે ફેસબુકની એક લિંક મારફતે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, તા.4 સપ્ટેમ્બરના રોજ બપોરે ખાનગી કંપની ખાતેથી ઘરે આવ્યા બાદ હિતેશભાઈ આશરે સવા ત્રણ વાગ્યે મોબાઈલ ફોનમાં ફેસબુક જોઈ રહ્યા હતા. દરમિયાન ફેસબુક પર આવેલી એક લિંક પર ક્લિક કરતાં તેમના મોબાઈલમાં ‘આઈપીટીવી એપીકે’ નામની ફાઈલ ડાઉનલોડ થઈ હતી. આ ફાઈલ ડાઉનલોડ થયા બાદ મોબાઈલ ફોનમાં ગડબડ થવા લાગી હતી.
દરમિયાન આશરે 3.50 વાગ્યે તેમના મોબાઈલમાં બેંક ખાતા અંગેનો સંદેશ આવ્યો હતો. તપાસ કરતાં તેમના આઈસીઆઈસીઆઈ બેંકના ખાતામાંથી કુલ રૂ.95,000 ગૂગલ પે મારફતે ઉપડી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. આ રકમ અન્ય એક મોબાઈલ નંબર પર ઓનલાઇન ટ્રાન્સફર થઈ હતી.
પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનું જણાતાં હિતેશભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4) તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.