Jamnagar

જામનગરમાં ગણેશભક્તના ઘરે સર્જાઈ અનોખી ‘ગણેશ ગેલેરી’ : 40 વર્ષથી ગણેશજીના 3 હજારથી વધુ સ્વરૂપોનો સંગ્રહ

By GS Team
16 Sep 20264 mins read
TukuTouch Logo
જામનગરમાં ગણેશભક્ત દિલીપભાઈ ધ્રુવે 40 વર્ષની મહેનતથી અનોખી ગણેશ ગેલેરી બનાવી છે. તેમના નિવાસસ્થાને 3 હજારથી વધુ ગણેશજી સંબંધિત વસ્તુઓ અને 800થી વધુ મૂર્તિઓનો સંગ્રહ છે. અહીં માટીથી કાચ સુધીની 1 ઇંચથી 2.5 ફૂટની વિવિધ મૂર્તિઓ છે. આખું વર્ષ ગણેશજીના અસંખ્ય સ્વરૂપોના દર્શન માટે આ ગેલેરી આકર્ષણનું કેન્દ્ર બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગણેશભક્તના ઘરે સર્જાઈ અનોખી ‘ગણેશ ગેલેરી’ : 40 વર્ષથી ગણેશજીના 3 હજારથી વધુ સ્વરૂપોનો સંગ્રહ

Jamnagar Ganeshotsav Special : સમગ્ર દેશમાં હાલ ગણેશ મહોત્સવની ભક્તિમય ઉજવણી ચાલી રહી છે ત્યારે જામનગરમાં ગણેશજી પ્રત્યેની અનોખી શ્રદ્ધા અને ચાર દાયકાની મહેનતનું એક અદભુત ઉદાહરણ સામે આવ્યું છે. જામનગરના ગણેશ ભક્ત દિલીપભાઈ ધ્રુવે છેલ્લા 40 વર્ષ દરમિયાન ગણેશજીના વિવિધ સ્વરૂપો, આકારો, કદ અને રંગની મૂર્તિઓ તેમજ ગણેશજી સાથે સંકળાયેલી વિવિધ વસ્તુઓનું કલેક્શન કરી પોતાના નિવાસસ્થાને અનોખી ગણેશ ગેલેરી ઊભી કરી છે. આ ગેલેરીમાં ગણેશજી સાથે જોડાયેલી 3 હજારથી વધુ વસ્તુઓનો સંગ્રહ છે, જેમાં 800થી વધુ ગણેશજીની મૂર્તિઓનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે ગણેશોત્સવ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત પંડાલોમાં ગણેશજીના અલગ-અલગ સ્વરૂપોના દર્શન કરવા મળતા હોય છે, પરંતુ દિલીપભાઈ ધ્રુવના ઘરે તૈયાર કરવામાં આવેલી આ ગણેશ ગેલેરીની વિશેષતા એ છે કે અહીં એક જ સ્થળે ગણેશજીના અસંખ્ય સ્વરૂપોના દર્શન આખું વર્ષ કરી શકાય છે. ચાર દાયકાથી ગણેશજીના વિવિધ સ્વરૂપો એકત્ર કરવાની તેમની અનોખી પ્રવૃત્તિ હવે માત્ર કલેક્શન પૂરતી સીમિત રહી નથી, પરંતુ ગણેશજીના વિવિધ સ્વરૂપો અને તેની સાથે જોડાયેલા ઇતિહાસની જાણકારી આપતી એક વિશિષ્ટ ગેલેરી બની ગઈ છે.

6.jpg


ઉત્સુકતામાંથી શરૂ થયેલો સંગ્રહ આજે 3 હજારથી વધુ વસ્તુઓ સુધી પહોંચ્યો
દિલીપભાઈ ધ્રુવને વર્ષો અગાઉ ગણેશજીના વિવિધ આકાર અને સ્વરૂપો અંગે જાણવાની ઉત્સુકતા જાગી હતી. ગણેશજીના કેટલા પ્રકારના સ્વરૂપો છે, વિવિધ સ્થળોએ કયા સ્વરૂપે ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને મૂર્તિઓમાં આટલી વિવિધતા શા માટે જોવા મળે છે તે જાણવા માટે તેમણે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. સમય જતાં આ ઉત્સુકતા ગણેશભક્તિમાં પરિવર્તિત થઈ અને ગણેશજીની વિવિધ મૂર્તિઓ તથા ગણેશજીની છબી ધરાવતી વસ્તુઓ એકત્ર કરવાની શરૂઆત થઈ.
ત્યારબાદ છેલ્લા 40 વર્ષ દરમિયાન જ્યાં પણ ગણેશજીના કોઈ અનોખા સ્વરૂપ કે વસ્તુ નજરે પડે, તેને પોતાના સંગ્રહમાં સ્થાન આપવાની તેમણે પરંપરા બનાવી. ધીમે ધીમે આ સંગ્રહનો વ્યાપ વધતો ગયો અને આજે તેમના ઘરે 3 હજારથી વધુ ગણેશજી સાથે જોડાયેલી વસ્તુઓનો વિશાળ ખજાનો એકત્ર થયો છે.
માટીથી માંડી કાચ અને બ્રાસ સુધીની મૂર્તિઓ
આ ગણેશ ગેલેરીની સૌથી મોટી વિશેષતા અહીં જોવા મળતી મૂર્તિઓની વિવિધતા છે. ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં માટી, કાગળ, લાકડું, પ્લાસ્ટિક, કાચ, બ્રાસ સહિતની વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અલગ-અલગ સામગ્રીમાંથી તૈયાર થયેલી આ મૂર્તિઓમાં ગણેશજીના સ્વરૂપ, મુદ્રા, આકાર અને રંગમાં પણ વૈવિધ્ય જોવા મળે છે.
કલેક્શનમાં માત્ર એક ઇંચ જેટલી નાની ગણેશજીની મૂર્તિથી લઈને અઢી ફૂટ સુધીની મૂર્તિઓનો સમાવેશ થાય છે. નાની-નાની મૂર્તિઓથી લઈને વિશાળ કદની મૂર્તિઓ સુધીના આ સંગ્રહને કારણે ગેલેરીમાં પ્રવેશતા જ જાણે ગણેશજીના અનેક સ્વરૂપોનું એકસાથે દર્શન થતું હોય તેવો અનુભવ થાય છે.

7.jpg


મૂર્તિઓ ઉપરાંત ગણેશજીની છબી ધરાવતી અનેકવિધ વસ્તુઓનો સંગ્રહ
દિલીપભાઈનું કલેક્શન માત્ર ગણેશજીની મૂર્તિઓ પૂરતું મર્યાદિત નથી. તેમના સંગ્રહમાં ફોટોફ્રેમ, પેઇન્ટિંગ, કી-સ્ટેન્ડ, રસોડામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, બોલપેન, ઘડિયાળ સહિત ગણેશજીની છબી ધરાવતી અનેકવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે.
ઘરના દરવાજાથી લઈને દિવાલો અને રૂમના વિવિધ ભાગોમાં પણ ગણેશજીના અલગ-અલગ સ્વરૂપો શોભી રહ્યા છે. આમ, આખું ઘર જ જાણે ગણેશજીની વિવિધ કળા અને સ્વરૂપોથી સજાવેલી ગેલેરી બની ગયું છે.
ગણેશજીના સ્વરૂપોનો સંગ્રહ જ નહીં, ઇતિહાસનો પણ અભ્યાસ
દિલીપભાઈ ધ્રુવની ગણેશભક્તિનું બીજું પાસું પણ એટલું જ રસપ્રદ છે. ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવાની સાથે તેમણે ગણેશજીના વિવિધ સ્વરૂપો, તેની પાછળ રહેલી માન્યતાઓ, પરંપરાઓ અને ઇતિહાસ અંગે પણ વર્ષો સુધી અભ્યાસ કર્યો છે.
ગણેશજીના વિવિધ સ્વરૂપો ઉપરાંત ગણેશોત્સવ સાથે સંકળાયેલી પરંપરાઓ અને ગણેશજીના વિસર્જનની પ્રક્રિયા અંગે પણ તેઓ ઊંડું જ્ઞાન ધરાવે છે. વર્ષોના અભ્યાસ અને અનુભવના આધારે તેમણે ગણેશજી સાથે સંકળાયેલા વિષયો ઉપર પુસ્તકોનું પણ લેખન કર્યું છે.
ચાર દાયકાની ભક્તિનું જીવંત સ્વરૂપ બની ગણેશ ગેલેરી
દિલીપભાઈ માટે ગણેશજીની આ ગેલેરી માત્ર અલગ-અલગ મૂર્તિઓ અને વસ્તુઓનું કલેક્શન નથી. ચાર દાયકાથી ગણેશજી પ્રત્યેની શ્રદ્ધા, ઉત્સુકતા, સંશોધન અને મહેનતનું આ પરિણામ છે. વર્ષો દરમિયાન એકત્ર કરેલી 3 હજારથી વધુ વસ્તુઓને સાચવી રાખવા માટે તેમણે પોતાના ઘરમાં વિશેષ ગેલેરી તૈયાર કરી છે.
ગણેશ મહોત્સવના પર્વ દરમિયાન જ્યારે લોકો ગણેશજીના વિવિધ સ્વરૂપોના દર્શન માટે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે, ત્યારે જામનગરમાં દિલીપભાઈ ધ્રુવના નિવાસસ્થાને તૈયાર થયેલી આ અનોખી ગણેશ ગેલેરીમાં એક જ સ્થળે ગણેશજીના અનેકવિધ સ્વરૂપોના દર્શન સાથે તેમના સ્વરૂપો અને કલેક્શનની રસપ્રદ જાણકારી પણ મેળવવા મળે છે.
આ રીતે જામનગરમાં ગણેશભક્ત દિલીપભાઈ ધ્રુવનું 40 વર્ષનું કલેક્શન હવે ગણેશભક્તો, કલા અને સંસ્કૃતિમાં રસ ધરાવતા લોકો તથા ગણેશજીના વિવિધ સ્વરૂપો અંગે જાણવાની ઉત્સુકતા ધરાવતા લોકો માટે એક અનોખું આકર્ષણ અને ગણેશભક્તિનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.