Jamnagar

રોટલાથી વરસાદનો વરતારો: જામનગરના આમરા ગામમાં 500 વર્ષ જૂની અનોખી પરંપરા, દિશા પરથી થાય છે અનુમાન

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરના આમરા ગામે આજે પણ 500-600 વર્ષ જૂની વરસાદની આગાહીની પરંપરા જીવંત છે. અષાઢના પહેલા સોમવારે ગ્રામજનો ઢોલ-નગારા સાથે કૂવામાં રોટલો પધરાવીને ચોમાસાનો વર્તારો કાઢે છે. આ વર્ષે રોટલો પૂર્વ દિશામાં તરતા ઉત્તમ વરસાદની આશા છે. આ વિધિ પ્રકૃતિ પ્રત્યેની આસ્થા અને ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રતીક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોટલાથી વરસાદનો વરતારો: જામનગરના આમરા ગામમાં 500 વર્ષ જૂની અનોખી પરંપરા, દિશા પરથી થાય છે અનુમાન

Jamnagar News: આધુનિક યુગમાં હવામાન વિભાગ સેટેલાઇટ અને વૈજ્ઞાનિક ટૅક્નોલૉજીથી વરસાદની આગાહી કરતું હોય છે, ત્યારે જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ પાંચથી છ સદીઓ જૂની લોકપરંપરા અકબંધ જોવા મળે છે. અહીં દર વર્ષે અષાઢ મહિનાના પહેલા સોમવારે કૂવામાં રોટલો પધરાવીને તેની દિશા પરથી આગામી ચોમાસાનું અને વરસાદના પ્રમાણનું અનુમાન લગાવવામાં આવે છે.

image.png

ઢોલ-નગારા સાથે સરઘસ કાઢી કૂવામાં પધરાવાયો રોટલો

જામનગર-દ્વારકા હાઇવે પર આવેલા આમરા ગામમાં આ નિમિત્તે સમગ્ર ગામ ઉત્સાહભેર એકત્રિત થાય છે. ગામની મહિલાઓ દ્વારા વિશેષ રોટલો તૈયાર કરવામાં આવ્યા બાદ ઢોલ-નગારાના તાલે સરઘસ સ્વરૂપે તેને કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે. મંદિરે પૂજા-અર્ચના અને ધ્વજારોહણ કર્યા બાદ ગામના નિયુક્ત વ્યક્તિ દ્વારા રોટલાને કૂવામાં પધરાવવામાં આવે છે.

image.png

આ વર્ષે ચોમાસું કેવું રહેશે? રોટલો ઉગમણી દિશામાં તર્યો

વિધિ દરમિયાન રોટલો પાણીમાં ડૂબતા પહેલાં જે દિશા તરફ આગળ વધે છે તેના પરથી ચોમાસાનો વર્તારો નક્કી કરવામાં આવે છે. આ વર્ષે કૂવામાં પધરાવાયેલો રોટલો ઉગમણી (પૂર્વ) દિશા તરફ આગળ વધ્યો હતો. પૂર્વ દિશા તરફ રોટલો જવો એ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. ગામના વડીલો અને આગેવાનોના મતે આ વર્ષે ઉત્તમ વરસાદ થશે અને વર્ષ 'પાણીવાળું' નવડાવશે તેવી લોકઆસ્થા વ્યક્ત કરવામાં આવી છે.

image.png

પ્રકૃતિ પ્રત્યે આસ્થા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક

ગામના વડીલો જણાવે છે કે આ પરંપરા છેલ્લા 500થી 600 વર્ષોથી અવિરતપણે ચાલી આવે છે. ખેતીપ્રધાન સમાજ માટે આ વિધિ માત્ર આગાહી પૂરતી મર્યાદિત ન રહેતાં પ્રકૃતિ પ્રત્યેની ગાઢ આસ્થા, ગ્રામ્ય સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બની ગઈ છે. સાયન્સ અને ટૅક્નોલૉજીના જમાનામાં પણ આમરા ગામના લોકો પોતાની આ પ્રાચીન શ્રદ્ધાને જાળવી રહ્યા છે. આ અનોખી વિધિના સાક્ષી બનવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.