Jamnagar

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં કાલાવડ નાકા બહાર શાહ પેટ્રોલ પંપ પાસે 19 વર્ષીય યુવાન ગુલામહેદર ખફી પાન લેવા ગયો હતો. ત્યાં ચાર શખ્સો ફેસલ સમા, ઇદ્રીશ હાલા, મોઇનુદ્દીન હાલા અને આદિલ હાલાએ તેને ગાળો આપી, લાકડાના ધોકા તથા ઢીકાપાટુ વડે માર માર્યો હતો. હુમલામાં યુવાનને માથા અને શરીરે ઇજાઓ થઈ હતી અને નાકનું હાડકું ફ્રેક્ચર થયું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

Jamnagar Crime : જામનગરમાં કાલાવડ નાકા બહાર શાહ પેટ્રોલ પંપ પાસે પાન લેવા ગયેલા 19 વર્ષીય યુવાનને ચાર શખ્સોએ ગાળો આપી લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવાનને માથા તથા શરીરે મૂઢ ઇજાઓ ઉપરાંત નાકના ભાગે હાડકાનું ફ્રેક્ચર થયું હોવાનું તબીબે જણાવ્યું હતું.
મોરકંડા રોડ પર સનસિટી-1માં રહેતા અને ડી.કે.વી.કોલેજમાં બી.એ.ના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ગુલામહેદર ફિરોજભાઈ ખફી તા.30 સપ્ટેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ગનીભાઈ પાનવાળાની દુકાને પાન લેવા ગયા હતા. ત્યાં અકીલ નામનો શખ્સ બેઠો હતો અને ગુલામહેદર તેની પાસે પાન લીધા બાદ તેની દુકાન પાસે બેઠેલા ફેસલ સમા તરફ જોતાં ફેસલે ‘સામું કેમ જુએ છે’ તેમ કહી ગાળો આપી બોલાચાલી કરી હતી. ત્યારબાદ ફેસલે ફોન કરીને અન્ય શખ્સોને બોલાવ્યા હતા. થોડીવારમાં ઈદ્રીશ હાલા અને મોઈનુદ્દીન હાલા બર્ગમેન મોટરસાયકલ પર તથા આદિલ હાલા એક્સેસ મોટરસાયકલ પર ત્યાં આવ્યા હતા. ઈદ્રીશ પાસે લાકડાનો ધોકો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ચારેય શખ્સોએ ગુલામહેદરને ગાળો આપી ઈદ્રીશે ધોકાનો ઘા માથાના પાછળના ભાગે માર્યો હતો. ત્યારબાદ ફેસલ, મોઈનુદ્દીન અને આદિલે પણ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.
મારથી નીચે પડી ગયેલા ગુલામહેદરને ચારેય શખ્સોએ માથા તથા શરીરે લાતો મારી હતી. તે ઉભા થવાનો પ્રયાસ કરતા ફેસલે તેનું માથું પકડી નજીકની બંધ દુકાનના શટરમાં જોરથી અથડાવ્યું હતું. જેના કારણે નાકના ભાગે ઈજા થઈ હતી. આસપાસના લોકો ભેગા થતાં હુમલાખોરોએ ત્યાંથી ભાગી છૂટતા પહેલાં ફરી સામું જોશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બાદમાં ગુલામહેદરના કાકા અલીભાઈ વુનુસભાઈ ખફી તથા મુન્નાભાઈ ગુજરાતી ત્યાં પહોંચ્યા હતા અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં તપાસ દરમિયાન માથા તથા શરીરે મૂઢ ઇજાઓ અને નાકના હાડકાનું ફ્રેક્ચર હોવાનું જણાવાયું હતું. આ બનાવ અંગે ગુલામહેદર ખફીની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.