Jamnagar

જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકનું મોત! રિપોર્ટ નેગેટિવ છતાં સારવાર દરમિયાન નિધન

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ચાંદીપુરા વાયરસના ભય વચ્ચે વધુ એક બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કનસુમરાના બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રિપોર્ટ નેગેટિવ હોવા છતાં બાળકે દમ તોડ્યો. બીજી તરફ, પોરબંદરથી વધુ એક શંકાસ્પદ બાળ દર્દીને જામનગર ખસેડાયો છે. હાલારમાં શંકાસ્પદ કેસોનો આંકડો 1 ડઝન વટાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકનું મોત! રિપોર્ટ નેગેટિવ છતાં સારવાર દરમિયાન નિધન

Jamnagar Chandipura Virus: હાલાર પંથકમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસની ચિંતા વચ્ચે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ વધુ એક બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જોકે, તબીબી સૂત્રોના જણાવ્યાનુસાર, મૃતક બાળકના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બીજી તરફ પોરબંદરથી વધુ એક શંકાસ્પદ બાળ દર્દીને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યો છે.

સેમ્પલ રિપોર્ટ નેગેટિવ છતાં બાળકે દમ તોડ્યો

મળતી માહિતી મુજબ, જામનગરના કનસુમરા વિસ્તારમાં રહેતા એક બાળકને ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તબીબોએ તેના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા. તપાસ દરમિયાન સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. છતાં બાળક ગંભીર સ્થિતિમાં હોવાથી તેની સારવાર ચાલુ હતી, જ્યાં ગુરુવારે (20મી ઓગસ્ટ) તેનું મૃત્યુ નિપજ્યું હતું.

પોરબંદરના વધુ એક શંકાસ્પદ દર્દીને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો

હાલાર અને આસપાસના વિસ્તારોમાં સમયાંતરે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો સામે આવી રહ્યા છે. આ દરમિયાન પોરબંદર પંથકના વધુ એક બાળકને શંકાસ્પદ લક્ષણો સાથે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલમાં આ શંકાસ્પદ બાળકની તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

શંકાસ્પદ કેસોનો આંકડો ડઝનને આંબી ગયો

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ સતત નોંધાઈ રહ્યા છે, જેનો આંકડો એક ડઝનને વટાવી ચૂક્યો છે. જોકે, આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ માત્ર સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ બાદ જ ચાંદીપુરાના કેસની અધિકૃત પુષ્ટિ થઈ શકે છે.