જામનગર પંથકમાં સિંહણના આંટાફેરાના ફોટો મામલે AI ટેકનોલોજીના દુરુપયોગથી વન તંત્રને દોડતું કરી મૂકવાનો કિસ્સો : મામાને ડરાવવા સગીર ભાણેજે ફોટો બનાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રવેશિયા ગામની સીમમાં સિંહણ આંટાફેરા કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસકર્મીની વાડી નજીક સિંહણ દેખાઈ હોવાની વાત વહેતી થતાં વનવિભાગની ટીમ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી. જોકે, તપાસના અંતે સિંહણ નહીં પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરાયેલો બનાવટી ફોટો હોવાનું સામે આવતાં સમગ્ર મામલો ચોંકાવનારા વળાંક પર પહોંચ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જામનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જે.ડોડીયા સહિતની વનવિભાગની ટીમ રવેશિયા ગામે પહોંચી હતી અને સીમ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. ટીમ દ્વારા સિંહણની હાજરીના સંભવિત સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંય સિંહણના સગડ કે પગલાં મળી આવ્યા ન હતા.
દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોની વનવિભાગ દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવતાં વીડિયો વાસ્તવિક નહીં હોવાનું ખુલ્યું હતું. તપાસમાં એઆઈ ટેકનોલોજીની મદદથી સિંહણનો બનાવટી વીડિયો તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
મામાને ડરાવવા બનાવ્યો હતો વીડિયો
વનવિભાગની તપાસમાં વધુ ચોંકાવનારી હકીકત સામે આવી હતી. એક સગીરે પોતાના મામાને ડરાવવાના ઈરાદે એઆઈ ટેકનોલોજીની મદદથી સિંહણનો વીડિયો તૈયાર કર્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં તેને વાસ્તવિક ઘટના માનીને રવેશિયા ગામમાં સિંહણ આવી હોવાની અફવા ફેલાઈ હતી.
બનાવટી વીડિયોના કારણે થોડા સમય માટે ગ્રામજનોમાં સિંહણનો ભય ફેલાયો હતો અને વનવિભાગને પણ સ્થળ પર દોડી જવું પડ્યું હતું. જોકે, તપાસમાં સિંહણની હાજરીના કોઈ પુરાવા ન મળતાં તથા ફોટો એઆઈ ટેકનોલોજીથી બનાવાયો હોવાનું સ્પષ્ટ થતાં વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ બનાવે એઆઈ ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવે તો બનાવટી દ્રશ્યોને પણ વાસ્તવિક માનીને તંત્ર અને લોકોમાં કેવી રીતે ગભરાટ ફેલાઈ શકે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.




