જામનગરના જોગવડમાં મકાનમાંથી નશીલા પદાર્થ 23.85 ગ્રામ હેરોઈન સાથે પંજાબના 3 શખ્સો ઝડપાયા , સપ્લાયર ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને સેવન સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે જોગવડ ગામની સીમમાં રામદૂતનગર વિસ્તારમાં દરોડો પાડી હેરોઈન સહિતના માદક પદાર્થોના જથ્થા સાથે પંજાબના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 23.85 ગ્રામ હેરોઈન, મોફીન અને કોડેનનો જથ્થો, જેની કિંમત રૂ.4,77,000 થાય છે, તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.4,94,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જોગવડ ગામની સીમમાં રામદૂતનગર વિસ્તારમાં જયેશભાઈ ઉનડકટની ઓરડીઓ પૈકીની નંબર-11ની ઓરડીમાં ભાડેથી રહેતા જશવંતસિંઘ પંજાબી, જગમીતસિંઘ પંજાબી અને થોમસ મસીહ નામના ત્રણ શખ્સો પાસે કેફી માદક પદાર્થનો પાવડર છે અને તેઓ હાલ ઓરડીમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે જશવંતસિંઘ રતનસિંઘ, થોમસ રણજીત મસીહ અને જગમીતસિંઘ સરબજીતસિંઘને ઝડપી લીધા હતા. ત્રણેય મૂળ પંજાબના રહેવાસી છે અને હાલ લાલપુર તાલુકાના જોગવડ સીમ વિસ્તારમાં મજૂરી કામ માટે રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ ઉપરાંત માદક પદાર્થનો સપ્લાયર હોવાનું સામે આવેલ જગરૂપનસિંઘ (રહે. સકતરા ગામ, તા. પટ્ટી, જિ. તરનતારણ, પંજાબ) વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. જગરૂપનસિંઘ હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.




