જામનગરમાં લેન્ડ રેકર્ડઝ કચેરીના કર્મચારીઓની હડતાળનો 19 મો દિવસ : સરકારને કરોડોની આવકનું નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરમાં લેન્ડ રેકર્ડઝ (જમીન દફતર) વિભાગના કર્મચારીઓ છેલ્લાં 19 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં જમીન સંબંધિત કામગીરીને વ્યાપક અસર પહોંચી છે. હડતાળના કારણે જમીન માપણી, બિનખેતી (એન.એ.), પ્લોટિંગ, સનદ મેળવવા સહિતની કામગીરી અટકી પડી છે. પરિણામે હજારો અરજીઓ પેન્ડિંગ થઈ હોવાનું જાણવા મળે છે.
લેન્ડ રેકર્ડઝ વિભાગની કામગીરી સાથે સંકળાયેલી વિવિધ પ્રક્રિયાઓ અટકી જતાં જમીનની ખરીદ-વેચાણ અને મિલકત સંબંધિત વ્યવહારો પર પણ અસર પડી છે. દસ્તાવેજ નોંધણી તથા તેના અનુસંધાનમાં થતી કાર્યવાહી ધીમી પડતાં સામાન્ય નાગરિકો ઉપરાંત બિલ્ડરો, ખેડૂતો અને અન્ય અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ, જમીન સંબંધિત કામગીરી અટકી જવાથી સરકારને મળતી સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની આવકને પણ અસર પહોંચી છે. દરરોજ લાખો રૂપિયાની આવક થતી પ્રક્રિયાઓમાં વિલંબ થતાં સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ છે.
જમીન માપણી તથા જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ ન થતાં અનેક પ્રોજેક્ટ્સની આગળની કામગીરી પણ અટકી છે. ખાસ કરીને બેંક ધિરાણ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકતાં કેટલાક બિલ્ડરો તથા મિલકતધારકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોના મોટા નાણાકીય વ્યવહારો પણ પેન્ડિંગ બન્યા છે.
હડતાળ જેટલી લાંબી ચાલશે તેમ પેન્ડિંગ અરજીઓનો ભરાવો વધતો જશે. હડતાળ પૂર્ણ થયા બાદ પણ બાકી રહેલી કામગીરીનો નિકાલ કરવામાં સમય લાગવાની શક્યતા છે. જેથી કર્મચારીઓની માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવી જમીન દફતર વિભાગની કામગીરી પૂર્વવત્ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.




