Jamnagar

કાલાવડમાં 1200 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો, ધંધાર્થી સામે કાર્યવાહી

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર SOGએ કાલાવડમાં ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. શીતળા માતાજી મંદિર પાસે કાનજી માલાણીના રહેણાંક મકાનમાં દરોડા પાડતા, 1200 લિટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ પાવડર મળ્યા. ફૂડ સેફ્ટી વિભાગે નમૂના લઈ, સ્થળ પર જ જથ્થાનો નાશ કરી, ધંધાર્થી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડમાં 1200 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો, ધંધાર્થી સામે કાર્યવાહી

જામનગર : જામનગર જિલ્લામાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. એસઓજીની ટીમે કાલાવડમાં આવેલા રહેણાકમાં દરોડો પાડી ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડયું છે. સ્થળ પરથી આશરે ૧૨૦૦ લિટર શંકાસ્પદ દૂધ ઉપરાંત ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડરનો જથ્થો કબજે કરી ધંધાર્થી સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
એસઓજીને મળેલી બાતમીના આધારે કાલાવડમાં શીતળા માતાજીના મંદિર પાસે કપુરીયાના કાંઠે આવેલા કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના રહેણાક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મકાનમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.

દરોડા દરમિયાન આશરે ૧૨૦૦ લિટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી તથા ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવતા એસઓજી દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી અધિકારી સ્થળ પર પહોંચ્યા બાદ શંકાસ્પદ દૂધ તથા અન્ય સામગ્રીના જરૂરી નમૂના લઈ નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી અધિકારીની હાજરીમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી તથા પાવડરના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. સંબંધિત ધંધાર્થી સામે ખાદ્ય સલામતી અને ધોરણો અંગેના કાયદા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.