World

દુર્લભ રોગોની ભારતમાંથી અમેરિકામાં આયાત થતી દવાઓ પરનો ટેરિફ શૂન્ય

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન: ટ્રમ્પ સરકારે ભારત સહિત 20 દેશોમાંથી આયાત થતી દુર્લભ બીમારીઓની દવાઓ પર 100% ટેરિફ નાંખવાના નિર્ણયમાંથી પીછેહઠ કરી છે. હવે આ દવાઓ અને તેના સંબંધિત ઘટકો પર શૂન્ય ટેરિફ લાગુ પડશે. આ નિર્ણય અમેરિકામાં દવા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને વેપાર સમજૂતી ધરાવતા દેશોને રાહત આપવા લેવાયો છે. જોકે, કેનેડાથી આયાત થતી $1 બિલિયનની વસ્તુઓ પર ટેરિફ લાદવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુર્લભ રોગોની ભારતમાંથી અમેરિકામાં આયાત થતી દવાઓ પરનો ટેરિફ શૂન્ય
  • 100 ટકા ટેરિફની ધમકી વચ્ચે ભારત સહિત ૨૦ દેશોને રાહત
  • પેટન્ટ પ્રાપ્ત દવાઓ, બાયોલોજિક્સ અને તેના સંબંધિત સામગ્રીની આયાત પર 100 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત
  • કેનેડાથી આલ્કોહોલ, ડેરી ઉત્પાદનો, મોટરસાઈકલ સહિત એક અબજ ડોલરના સામાન પર ટેરિફ : ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારત સહિત અનેક દેશોને ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપતા રહે છે. જોકે, અન્ય દેશોમાંથી આયાતી વસ્તુઓ પર ટેરિફ નાંખવાથી અમેરિકાના લોકોને જ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પે દવાઓ પર પણ ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી હતી. જોકે, હવે ટ્રમ્પ સરકારે આ બાબતમાં પીછેહઠ કરી છે અને કેટલીક દુર્લભ બીમારીઓ માટેની દવાઓ પરનો ટેરિફ શૂન્ય કરશે. ટ્રમ્પે ભારત સહિત ૧૯ દેશોમાંથી આયાત થતી વિશેષ દવાઓ પર કોઈ એડ વેલોરમ ટેરિફ નહીં નાંખવાની જાહેરાત કરી છે.
અમેરિકન કોમર્સ વિભાગ ૨૯ સપ્ટેમ્બરથી કેટલીક પેટન્ટ પ્રાપ્ત દવાની આયાત અને તેના સંબંધિત ઘટકો પર ૧૦૦ ટકા ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકામાં દવાઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની પ્રમુખ ટ્રમ્પે બે એપ્રિલે પેટન્ટ પ્રાપ્ત દવાઓ, બાયોલોજિક્સ અને તેના સંબંધિત સામગ્રીની આયાત પર ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી.
જોકે, ટ્રમ્પ સરકારે દુર્લભ બીમારીઓની સારવાર માટે ભારત સહિત ૨૦ દેશોમાંથી આયાત કરાનારી દવાઓ પર કોઈ ટેરિફ નહીં નાખવાનો નિર્ણય કર્યો છે. શૂન્ય ટેરિફ માટેના દવાના ઉત્પાદનોમાં દુર્લભ બીમારીઓની બધી જ દવા, વાંઝીયાપણાની સારવાર, સેલ થેરેપી, જીન થેરેપી, એન્ટીબોડી-ડ્રગ કંજુગેટ્સ (એડીસી) અને પશુ દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓમાં ઉપયોગ થતા સામગ્રી પણ શૂન્ય ટેરિફના દાયરામાં આવશે.
નોટિસમાં કહેવાયું છે કે આ દેશોમાંથી આવતા પાત્ર ઉત્પાદનોને શૂન્ય ટેરિફનો લાભ એટાલ માટે મળી શકે છે, કારણ કે અમેરિકા સાથે તેમનો વેપાર અને સુરક્ષા સમજૂતી છે અથવા આગામી દિવસોમાં આ સમજૂતી થવાની છે.
દરમિયાન અમેરિકા અને કેનેડા સંબંધો બગડયા છે ત્યારે અમેરિકાએ મંગળવારે કેનેડાથી આયાત થતા આલ્કોહોલ, ડેરી ઉત્પાદનો અને મોટરસાઈકલ સહિત એક અબજ યુએસ ડોલરના સામાન પર ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. ઉત્તર અમેરિકા ખંડના બંને પડોશી દેશો અમેરિકા અને કેનેડા વચ્ચે વાર્ષિક ૮૮૦ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે ત્યારે આ ટેરિફ નગણ્ય બાબત સમાન છે, પરંતુ ટ્રમ્પ સરકારનું આ પગલું બંને દેશો વચ્ચે કથળતા સંબંધોના સંકેત આપે છે.
ટ્રમ્પ સરકારે કેનેડાના આલ્કોહોલ બેવરેજીસ, ડેરી ઉત્પાદનો અને મોટરસાઈકલ્સ પર પ્રતિબંધ એવા સમયે મૂક્યો છે જ્યારે ગયા મહિને ટ્રમ્પે કેનેડાથી આવતા લગભગ પાંચ ટકા ઉત્પાદનો પર ૫૦ ટકા ઈમ્પોર્ટ ટેરિફ લગાવ્યા હતા. તેના જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકન વસ્તુઓ પર ડોલરના બદલે ડોલરની નીતિ હેઠળ જવાબી ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.