Get The App

દુનિયા માટે ખતરાની ઘંટડી? યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલાનો આરોપ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
દુનિયા માટે ખતરાની ઘંટડી? યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલાનો આરોપ 1 - image


Zaporizhzhia Nuclear Plant Drone Attack: યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ Zaporizhzhia પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. રશિયાની સરકારી ન્યૂક્લિયર કંપની રોસાટોમે દાવો કર્યો છે કે શનિવારે યુક્રેનના એક કામિકાઝે ડ્રોને પ્લાન્ટ પર હુમલો કર્યો છે. જોકે, બીજી તરફ યુક્રેનના સૈન્યએ આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને તેને માત્ર રશિયન 'પ્રોપેગન્ડા' ગણાવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

રોસાટોમના વડા એલેક્સી લિખાચેવે જણાવ્યું હતું કે, બપોરે યુક્રેનના એક કામિકાઝે ડ્રોને પાવર યુનિટ નંબર 6ની ટર્બાઇન હોલની ઇમારત પર હુમલો કર્યો, જેના કારણે ત્યાં વિસ્ફોટ થયો હતો. રશિયાના મતે, આ હુમલો જાણીજોઈને કરવામાં આવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં ન્યૂક્લિયર પ્લાન્ટના કોઈ પણ મુખ્ય સાધનોને નુકસાન થયું નથી, પરંતુ ટર્બાઇન હોલની દીવાલમાં એક મોટું કાણું પડી ગયું છે.

યુક્રેનનો પલટવાર

યુક્રેનની સેનાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે, યુક્રેનિયન સૈનિકો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું કડક પાલન કરે છે અને ન્યૂક્લિયર સુવિધાઓને નિશાન બનાવવાથી થતી ગંભીર અસરો વિશે સારી રીતે જાગૃત છે. યુક્રેનનું કહેવું છે કે, જે વિસ્તારની વાત કરવામાં આવી રહી છે ત્યાં કોઈ જ પ્રકારની સક્રિય લડાઈ ચાલુ નથી અને કોઈ પણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

પરમાણુ દુર્ઘટનાનો સતત ભય- 2022થી રશિયાનો છે કબજો

ઝાપોરિઝ્ઝ્યા પ્લાન્ટ માર્ચ 2022થી રશિયાના કબજામાં છે અને તે યુદ્ધના મોરચાની અત્યંત નજીક આવેલો છે. છેલ્લા ચાર વર્ષથી ચાલતા આ યુદ્ધમાં આ પ્લાન્ટ પર અવારનવાર હુમલા થતા રહ્યા છે, જે સમગ્ર વિશ્વ માટે પરમાણુ દુર્ઘટનાનો મોટો ભય ઊભો કરે છે.