World

Explainer: ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે, જાણો ડ્રેગનના '48 કલાક'ના મૌન પાછળની હકીકત

By GS Team
11 Sep 20264 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભાગ લેશે. શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમની શરૂઆતના 48 કલાક પહેલાં જ બેજિંગે આ જાહેરાત કરી. 12 અને 13 સપ્ટેમ્બરે PM મોદીના આમંત્રણ પર ભારત મંડપમ ખાતે યોજાનારી આ મુલાકાતને ચીનની વ્યૂહરચનાનો ભાગ ગણવામાં આવે છે, જે દ્વિપક્ષીય સંબંધો માટે મહત્ત્વપૂર્ણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે, જાણો ડ્રેગનના '48 કલાક'ના મૌન પાછળની હકીકત

Decoding China’s 48-Hour Strategic Silence in BRICS: નવી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મા બ્રિક્સ સમિટ માટે આખરે ચીને મૌન તોડ્યું છે. શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમની શરૂઆત થવાના માત્ર 48 કલાક પહેલાં જ બેજિંગ તરફથી સત્તાવાર રીતે પુષ્ટિ કરાઈ છે કે, ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. ઘણાં સમયથી ચાલી રહેલી અટકળો અને સવાલો વચ્ચે આ જાહેરાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આટલા મોટા કાર્યક્રમ માટે ચીને છેલ્લી ઘડી સુધી રાહ કેમ જોઈ? ચાલો ચીનની આ વ્યૂહરચના પાછળના કારણો સમજીએ.

સમિટમાં હાજરી આપવાની જાહેરાત છેલ્લી ઘડીએ કરાઈ
ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ સંમેલનનું આયોજન ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ પુષ્ટિના થોડા કલાકો પહેલાં જ બેજિંગમાં એક પત્રકાર પરિષદમાં પ્રવક્તાએ મુલાકાત અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અન્ય નેતાઓની હાજરી અગાઉથી જ નક્કી હતી, પરંતુ ચીનના મૌનને કારણે એવી અટકળો તેજ બની હતી કે કદાચ જિનપિંગ રૂબરૂ આવવાને બદલે કોઈ પ્રતિનિધિને ભારત મોકલશે.

7 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત
જિનપિંગની આ ભારત મુલાકાત 7 વર્ષ બાદ થઈ રહી છે. અગાઉ તેમણે 2019 માં મહાબલિપુરમમાં અનૌપચારિક શિખર સંમેલન માટે મુલાકાત લીધી હતી. ત્યારબાદ 2020 માં ગલવાન ખીણમાં થયેલા સૈન્ય તણાવને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી ખરાબ રહ્યા. તેથી આ મુલાકાત બ્રિક્સ માટે જ નહીં, પરંતુ ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં પણ એક મોટા સમાચાર બની ગઈ છે.

છેલ્લી ઘડીની જાહેરાત પાછળના 5 મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે, આ મુલાકાતની જાહેરાતમાં થયેલું મોડું એ માત્ર તૈયારીઓનો અભાવ ન હતો, પરંતુ તે ચીનની એક સુઆયોજિત વ્યૂહનીતિનો ભાગ છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે.
વાટાઘાટોનો એજન્ડા નક્કી કરવો: ચીન હંમેશા એજન્ડા ફાઈનલ થયા પછી જ મોટી જાહેરાતો કરે છે. એવી સંભાવના છે કે શનિવારે સમિટની સાથે જ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે એક અલગ બેઠક યોજાશે. છેલ્લી ઘડી સુધી મૌન રહીને ચીને સરહદ વિવાદ, વેપાર અસંતુલન, રોકાણ અને લોકોની અવરજવર જેવા સંવેદનશીલ વિષયો પર ચર્ચા માટેનો એજન્ડા નક્કી કરવાનો સમય મેળવી લીધો. જો વહેલી જાહેરાત કરી હોત તો મીડિયાની અટકળો અને દબાણ વધી ગયું હોત.

મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ન ભટકે તે માટે: હવે બ્રિક્સ માત્ર 5 દેશોનું નથી, પરંતુ 11 સભ્યોનું મોટું જૂથ છે. જેમાં ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પણ જોડાયા છે. આ ઉપરાંત અન્ય આમંત્રિત દેશો પણ છે. ચીન નહોતું ઈચ્છતું કે ભારત-ચીન વિવાદ સમગ્ર સમિટ પર છવાઈ જાય અને વેપાર, વૈશ્વિક શાસન, ડિજિટલ અર્થતંત્ર અને ઊર્જા જેવા મહત્ત્વપૂર્ણ બહુપક્ષીય મુદ્દાઓ પાછળ રહી જાય.

ચીનનો પ્રોટોકોલ: પશ્ચિમી દેશો પ્રવાસના મહિનાઓ પહેલા જ તેની તારીખો જાહેર કરી દે છે, પરંતુ ચીન આવું કરતું નથી. દક્ષિણ અમેરિકા અને મધ્ય એશિયાની મુખ્ય પરિષદોમાં પણ બેઇજિંગે છેલ્લી ઘડીએ જ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિના પ્રવાસના થોડા દિવસો પહેલા જ જાહેરાત કરવી એ ચીનની સામાન્ય પ્રક્રિયા છે.

સુરક્ષા વ્યવસ્થા: શી જિનપિંગની આસપાસ સુરક્ષા કવચ અત્યંત કડક હોય છે. ચીનનું રાષ્ટ્રીય મીડિયા હવાઈ મુસાફરી, રહેઠાણ, પરિવહન અને તમામ ગ્રાઉન્ડ સુરક્ષા પ્રોટોકોલની સંપૂર્ણ ચકાસણી થઈ જાય તે પછી જ સત્તાવાર જાહેરાત કરે છે.

વૈશ્વિક મંચો પર સંતુલન જાળવવું: ચીન શાંઘાઈ સહકાર સંગઠન અને ગ્લોબલ સાઉથ જેવા અન્ય મંચોમાં પણ સક્રિય છે. કોઈ એક જ કાર્યક્રમની ખૂબ વહેલી જાહેરાત કરવાથી એવો સંદેશ જઈ શકે છે કે ચીન માત્ર તે જ મંચ પર વધુ ધ્યાન આપી રહ્યું છે. અંતિમ સમયે પુષ્ટિ આપીને ચીન એ સાબિત કરવા માંગે છે કે તે માત્ર ભારતના આમંત્રણથી જ નહીં, પરંતુ રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા નિભાવવા આવી રહ્યું છે.

ટૂંકમાં, જિનપિંગની આ મુલાકાત બાબતે જાળવવામાં આવેલું '48 કલાક'નું મૌન એ ચીનની એક વ્યૂહનીતિ હતી. હવે જોવાનું એ રહેશે કે આ 18મી બ્રિક્સ સમિટમાં બંને દેશો વચ્ચેના સંબંધો કઈ નવી દિશા લે છે.