- શિયાળો બેસતા બંને પક્ષ શસ્ત્રવિરામ કરે તેવી સંભાવના
- બાલીમાં G-20 દેશોની 15-16 નવેમ્બરે મળનારી બેઠકમાં પુતિન, બાયડન તથા પશ્ચિમના નેતાઓ એક રૂમમાં હશે
નવી દિલ્હી : તારીખ ૧૫- ૧૬ નવેમ્બરે ઇન્ડોનિશિયાના બાલીમાં યોજાનારી જી-૨૦ દેશોની શિખર- પરિષદ પૂર્વે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની મોસ્કો મુલાકાત ઉપર દુનિયાભરની નજર મંડાણી છે.
ઉલ્લેખનીય છે કે, રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિન અને જો બાયડન તથા પશ્ચિમના ટોચના નેતાઓ જી-૨૦ બેઠક દરમિયાન એક જ રૂમમાં હશે. તે પૂર્વે જયશંકર આજે (સોમવારે) મોસ્કો પહોંચવાના છે અને મંગળવારથી તેઓ રશિયાના વિદેશ મંત્રી સર્ગે લેવરૉવ, નાયબ વડાપ્રધાન અને વ્યાપાર ઉદ્યોગ મંત્રી ડેનિસ મન્તુરૉવને મળવાના છે. જયશંકર પ્રમુખ પુતિનને મળશે કે કેમ તે વિષે હજી કોઈ માહિતી નથી પરંતુ નિરીક્ષકો કહે છે કે, તે સંભાવના પણ નગણ્ય કહી શકાય નહીં.
જી-૨૦ બેઠક દરમિયાન પુતિન, જો બાયડન સહિત પશ્ચિમના નેતાઓને પહેલી જ વાર મળશે તે પણ ઉલ્લેખનીય છે.
આ સંયોગોમાં જયશંકરની મોસ્કો મુલાકાત ચાવીરૂપ માનવામાં આવે છે. સાથે દિલ્હીને બંને પક્ષો માટેની મંત્રણામાં ચાવીરૂપ ભજવનાર તરીકે વિશ્વ જોઈ રહ્યું છે. જયશંકરે જુલાઈ ૨૦૨૧માં મોસ્કોની મુલાકાત લીધી હતી. તે પણ સર્વવિદિત થઈ ગયું છે કે જ્યારે ડેડ-લૉક (મડાગાંઠ) ઉપસ્થિત થયો છે ત્યારે ભારતે શાંતિપૂર્વક હસ્તક્ષેપ કર્યો જ છે. કાળા સમુદ્રના બંદરોથી અનાજ નિકાસ કરવા દેવા, ભારતે જ રશિયાને સમજાવ્યું હતું આમ બંને બાજુઓને સમતોલ રાખી ભારત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. પરંતુ તેમાં દર- વખતે સફળ થયું પણ નથી.
વૉશિંગ્ટન પોસ્ટ જણાવે છે કે મોદીએ ગયા મહિને યુક્રેનના પ્રમુખ વ્લોડીમીર ઝેલેન્સ્કીને શાંતિ મંત્રણા માટે સહાયભૂત થવા તૈયારી દર્શાવી હતી પરંતુ ઝેલેનસ્કીએ તે પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. તેમણે કહ્યું કે, યુક્રેન પ્રમુખ પુતિન સાથે તો કોઈ પણ મંત્રણા કરવા તૈયાર નથી, પરંતુ પ્રશ્નનો મંત્રણા દ્વારા કરાતા ઉકેલ માટે તેઓ તૈયાર જ છે. રશિયા જ જાણી જોઈને મંત્રણાના પ્રયાસને તોડી રહ્યું છે.'
આમ છતાં નિરીક્ષકો માને છે કે, શિયાળો બેસતાં બંને પક્ષો (થોડા મહિના પૂરતો) શસ્ત્ર વિરામ કરવા સહમત થશે જ. વિશેષતઃ શિયાળાના પ્રારંભથી તો તેમ કરવું જ પડશે. કારણ કે જાન્યુઆરી અને ફેબુ્રઆરી મહિનાઓમાં તો અસામાન્ય ઠંડી પ્રવર્તી રહી હશે. તે પછી ફરી વ્યવસ્થિત બની (રીગૂ્રમ થઈ) ફરી યુદ્ધ શરૂ થનાર છે. નિરીક્ષકો વધુમાં જણાવે છે કે આ શસ્ત્ર વિરામ એક મહત્ત્વની તક બની રહે તેમ છે અને દિલ્હીને તે દરમ્યાન બંને પક્ષોને કાયમી યુદ્ધ વિરામ કરાવવાની તક મળી રહેશે.


