World

દુનિયાની સૌથી મોટી તેલ કંપની અરામકો ઉપર યમનમાંથી હુમલો : અનેક વિસ્તારમાં વીજળી ગૂલ

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
યમનના હૂતીઓએ સાઉદી અરબસ્તાનના જીઝાન પ્રાંતમાં આવેલા ઔદ્યોગિક શહેર અને દુનિયાની સૌથી મોટી તેલ કંપની અરામકોને મિસાઈલ-ડ્રોનથી નિશાન બનાવી. આ હુમલાથી ૩ મોટા પ્રાંતોમાં બ્લેકઆઉટ થયો. યનબૂ પ્રાંતમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે, જ્યારે વૈશ્વિક તેલ બજારને આંચકો લાગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાની સૌથી મોટી તેલ કંપની અરામકો ઉપર યમનમાંથી હુમલો : અનેક વિસ્તારમાં વીજળી ગૂલ
  • ગ્લોબલ ઓઈલ માર્કેટને ભારે ઝટકો
  • હૂતીના ડ્રોન અને મિસાઇલ હુમલાથી સઉદી અરબસ્તાન હચમચ્યું સઉદી અરબ યમન વચ્ચે દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી છે

રીયાદ : સઉદી અરબસ્તાનમાં ફરી ટેન્શન વધી ગયું છે. યમનમાંથી છોડાયેલાં મિસાઇલ્સ અને ડ્રોને જીઝાન પ્રાંતના એક ઔદ્યોગિક શહેર અને દુનિયાની સૌથી મોટી તેલ કંપની અરામકોને નિશાન બનાવ્યાં હતાં. પરિણામે કેટલાએ વિસ્તારમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. આ સાથે યનબૂ પ્રાંતમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.
સઉદી અરબ અને યમન વચ્ચે દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચતી દેખાય છે. સઉદી અરબે કરેલા હુમલાના જવાબમાં યમનના હૂતીઓએ કરેલા હુમલાથી સઉદીના ૩ મોટા પ્રાંતો પ્રભાવિત થયા હતા. જીઝેન, યનબૂ અને દમામ અસરગ્રસ્ત થયા હતા. સૌથી વધુ ચિંતાજનક બાબત તે છે કે દુનિયાની સૌથી મોટી તેલ કંપની મનાતી અરામકો યમનના (હૂતીઓના) મુખ્ય નિશાન પર આવી ગઈ હતી. આથી ગ્લોબલ ઓઇલ માર્કેટને ભારે ઝટકો લાગ્યો છે.
આ હુમલા પછી કેટલાયે વિસ્તારોમાં બ્લેકાઉટ જાહેર કરાયો છે. સઉદી સિવિલ ડીફેન્સે યનબૂ પ્રાંત માટે નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ ઉપર ઈમરજન્સી એલર્ટ જાહેર કરી છે.
આ હુમલા એવે સમયે થયા છે કે જ્યારે અમેરિકા-ઈરાન યુદ્ધને લીધે સંપૂર્ણ મધ્ય-પૂર્વ તંગ બની રહ્યું છે. શુક્રવારે મોડી રાત્રે સઉદી અરબે યમનના હૂતી નિયંત્રિત શહેર હાદેઈદા ઉપર હુમલા કર્યા હતા. હૂતી વિદેશ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી હતી કે સઉદીને આ હુમલો મોંઘો પડશે. હૂતી સંલગ્ન અલ-મસીરા ટીવી જણાવે છે કે હાદેઈદામાં દૂરસંચાર પ્રાધિકરણ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. કામરાન દ્વિપ ઉપર પણ હુમલા કરાયા હતા જેથી એક મહિલા ઘાયલ થઈ હતી.
બીજી તરફ રાતા સમુદ્રમાં પણ તંગદિલી વધી રહી છે. બુધવારે હૂતીઓએ દાવો કર્યો હતો કે તેમણે રાતા સમુદ્રમાં સઉદી ઓઇલ ટેન્કર ઉપર ડ્રોન અને મિસાઇલ્સથી હુમલા કર્યા હતા, તેથી ઓછામાં ઓછું એક જહાજ તો ક્ષતિગ્રસ્ત થયું હતું. હૂતીઓનું કહેવું છે કે, આ કાર્યવાહી ૨૦મી જુલાઈએ અને જાહેર કરેલી નાકાબંધીનું ઉલ્લંઘન કરવા માટે કરવામાં આવ્યો હતો. આ નાકાબંધી અમારા હવાઈ મથક પર કરાયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક મહિનાથી હૂતી, સઉદી તેલ સંસ્થાઓ અને શીપીંગ રૂટસને નિશાન બનાવી રહ્યા છે. એક તરફ હોર્મુઝ લગભગ બંધ થઈ છે તો બીજી તરફ રાતા સમુદ્રમાંથી પણ તેલની નિકાસ થવામાં અવરોધ ઉભો થયો છે તેથી ફરી પાછી વિશ્વ બજારમાં ક્રૂડની કિંમત વધતી જશે.