World

'આવું જ ચાલશે તો, ત્રીજું વિશ્વયુદ્ધ દૂર નથી' : ટ્રમ્પે ચેતવ્યા : સબુરીનાં તમામ બંધનો તૂટી ગયાં

By GS TEAM
12 Dec 20252 mins read
'આવું જ ચાલશે તો, ત્રીજું વિશ્વયુદ્ધ દૂર નથી' : ટ્રમ્પે ચેતવ્યા : સબુરીનાં તમામ બંધનો તૂટી ગયાં

- ગુરૂવારે ટ્રમ્પે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે યુક્રેન યુદ્ધમાં જો પરિસ્થિતિ નહીં સુધરે તો તે ત્રીજા વિશ્વ યુદ્ધમાં પરિણમશે

વૉશિંગ્ટન : રશિયા યુક્રેન યુદ્ધ અંગે પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના સબુરીના બધા જ બંધો તૂટી ગયા છે. પોતાના શપથ ગ્રહણ સમયે, આ યુદ્ધ બંધ કરાવાનું વચન પણ તેઓએ આપ્યું હતું. તેઓએ બંને પક્ષો સાથે ક્યારેક નરમાશથી તો ક્યારેક સખ્તાઇથી પણ વાત કરી હતી, છતાં તેમાં તેઓ કામયાબ થઇ શક્યા નથી. હવે નિરાશા ખુલ્લે આમ તેઓની સામે આવી છે. તેઓએ ગુરૂવારે કહ્યું કે હજી પણ જો સ્થિતિ નહીં સુધરે તો ત્રીજુ વિશ્વયુદ્ધ વહેલામાં વહેલી તકે શરૂ થઇ જશે. અમેરિકા આથી જ તે યુદ્ધ બંધ કરવા સખત પ્રયત્નો કરી રહ્યું છે.

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રમુખે કહ્યું : યુક્રેન યુદ્ધ બેહદ ખતરનાક વળાંક પર આવી પહોંચ્યું છે. ગયા મહિને જ આ યુદ્ધમાં આશરે ૨૫,૦૦૦ લોકો માર્યા ગયા હતા. તેમાં મોટાભાગના તો સૈનિકો હતા, પરંતુ ઘણા નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા હતા. બોમ્બાર્ડમેન્ટમાં પણ કેટલાયે લોકો માર્યા ગયા. હું ઇચ્છુ છું કે આ બધું અટકી જાય.

આ સાથે તેઓએ આગળ કહ્યું કે હું ઇચ્છું છું કે આ મારામારી બંધ થાય. આ બધું દુનિયાને ત્રીજાં વિશ્વયુદ્ધ તરફ ધક્કેલી રહ્યું છે. મેં પહેલા પણ કહ્યું હતું કે જો તમે આવો ખેલ ખેલ્યા જ કરશો તો ટુંક સમયમાં જ ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે. આપણે તે ઇચ્છતા નથી.

પ્રમુખ ટ્રમ્પે આગળ કહ્યું કે અમેરિકા યુક્રેન યુદ્ધમાં પડયું નથી. તે એટલા માટે વાતચીત કરે છે કે બધા જ ઇચ્છે કે અમેરિકા વાતચીતમાં સામેલ થાય. યુક્રેન અને યુરોપ બંને ઇચ્છે છે કે અમેરિકા તે મંત્રણાનો ભાગ બને.

આ સાથે યુક્રેનને આપેલાં ફંડો અંગે ટ્રમ્પ ફરીવાર નારાજગી દર્શાવી કહ્યું કે પહેલાં અમે યુક્રેનને ૩૦૦થી ૩૫૦ અબજ ડોલર આપ્યા હતા. તેના બદલામાં અમોને કશું જ મળ્યું નથી.

અમેરિકા યુક્રેનને સીધી રીતે નહીં પરંતુ નાટો દેશોને પૂરી કિંમતે શસ્ત્રો વેચે છે. તેઓ મોટા ભાગનાં શસ્ત્રો યુક્રેનને આપે છે. બની શકે કે તેઓ થોડાં શસ્ત્રો બીજા દેશોને પણ વેચતા હશે કે આપતા હશે પરંતુ અમે તે યુદ્ધમાં સામેલ નથી. માત્ર મંત્રણામાં જ સામેલ થઇએ છીએ, કારણ કે તેઓ અમે ત્યાં હોઇએ તેમ ઇચ્છે છે.