World

ન્યૂયોર્કમાં ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે મુલાકાત થવાની સંભાવના: અમેરિકી રાષ્ટ્રપ્રમુખે આપ્યો સંકેત

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે ન્યૂયોર્કમાં મુલાકાત માટે સંકેત આપ્યા છે. UNGAમાં ભાગ લેવા ઈરાની રાષ્ટ્રપ્રમુખ અમેરિકા પહોંચી રહ્યા છે. ફોક્સ ન્યૂઝના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે આ શક્યતા દર્શાવી, જે વોશિંગ્ટનની લશ્કરી યોજનાઓ અને તેહરાનની શાંતિ શરતો વચ્ચે મહત્વપૂર્ણ છે. આ બેઠકથી મધ્યસ્થી વિના સીધી વાતચીતની તક ઊભી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂયોર્કમાં ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે મુલાકાત થવાની સંભાવના: અમેરિકી રાષ્ટ્રપ્રમુખે આપ્યો સંકેત

Donald Trump And Masoud Pezeshkian Meeting : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાના સંકેત મળ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇશારો કર્યો છે કે, તેઓ આ અઠવાડિયે ઈરાની રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરવા માટે તૈયાર હોઈ શકે છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)માં ભાગ લેવા માટે અમેરિકાના ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે, જેને પગલે બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાવાની શક્યતા છે.

તણાવ અને શરતો વચ્ચે મુલાકાતના સંકેત

ફોક્સ ન્યૂઝ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump) ઇશારો કર્યો હતો કે તેઓ કદાચ આ અઠવાડિયે ન્યૂયોર્કમાં મસૂદ પેઝેશ્કિયાન(Iran President Masoud Pezeshkian) સાથે બેઠક માટે સંમત થઈ શકે છે. આ સંકેત એવા સમયે આવ્યો છે જ્યારે વોશિંગ્ટન ઈરાન વિરુદ્ધ આગામી લશ્કરી કાર્યવાહીની યોજના ઘડી રહ્યું છે. બીજી તરફ, તેહરાન લગભગ 7 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા સાથે ફરી વાતચીત શરૂ કરવા પોતાની શરતો રજૂ કરી રહ્યું છે.

ઈરાની ડેલિગેશનને અમેરિકા આવવાની મંજૂરી

ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય સામાન્ય સભા 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. અમેરિકાએ આ બેઠકમાં ભાગ લેવા માટે ઈરાની પ્રતિનિધિમંડળને વિઝા અને મંજૂરી આપી છે, જેમાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) પણ સામેલ છે.

મધ્યસ્થીઓ વિના સીધી વાતચીતની શક્યતા

જો સંયુક્ત રાષ્ટ્રની આ બેઠક દરમિયાન બંને દેશના વડાઓ વચ્ચે મુલાકાત થાય છે, તો ભવિષ્યમાં કોઈ અલગ સમિટ યોજવાની જરૂર નહીં પડે. બંને રાષ્ટ્રપ્રમુખ એક જ શહેરમાં હાજર હોવાથી તેમની વચ્ચે સીધી વાતચીતની મહત્વની તક ઊભી થઈ છે, જ્યારે હાલના સમયમાં બંને દેશો વચ્ચે મોટાભાગની ચર્ચા માત્ર મધ્યસ્થી દેશો મારફતે જ થઈ રહી છે.