- ચીન પહેલેથી જ અમેરિકી પ્રતિબંધોને એક તરફ રાખી ઇરાન પાસેથી સસ્તુ તેલ ખરીદે છે : 2021માં બંને દેશો વચ્ચે ૨૫ વર્ષોની રણનીતિક ભાગીદારી કરારો થયા હતા
નવી દિલ્હી : ઇરાન-અમેરિકા યુદ્ધે સમગ્ર દુનિયામાં હા-હાકાર મચાવી દીધો છે. તેવામાં ચીન એક નવી જ રમત રમી રહ્યું છે. વિશ્લેષકો સ્પષ્ટ ચેતવણી આપે છે કે, જો પરિસ્થિતિ આવી ને આવી જ રહેશે તો દુનિયાના સૌથી મહત્ત્વના જળમાર્ગો પૈકીના એક હોર્મુઝ-સ્ટ્રેઇટ ઉપર કબજો જમાવી દેેશે તે માટે ચીને જબરજસ્ત યોજના ઘડી કાઢી છે.
તે સર્વ-વિદિત છે કે, ૨૮ ફેબુ્રઆરીએ ઇરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે કરેલા હુમલા પછી ઇરાને એ જળમાર્ગ બંધ કરી દીધો છે. સાથે દુનિયાભરમાં તેલની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. કારણ કે, આ જળમાર્ગ દ્વારા દુનિયાનો ૨૦ ટકા તેલ પુરવઠો પસાર થાય છે. આ કુલ વૈશ્વિક તેલ પ્રવાહનો પાંચમો ભાગ ઇરાન નિયંત્રિત કરે છે.
માર્સેલ્સ ઇન્વેસ્ટમેન્ટ ફાઉન્ડેશનના સ્થાપક સૌરભ મુખર્જીએ વર્તમાન સમીકરણોને જોતાં કહ્યું છે કે, 'વૈશ્વિક- ઊર્જા બજારમાં ઇરાનની સાથે હાથ મિલાવી અને હોર્મુઝ સામુદ્રધુનિ ઉપર કબજો જમાવવા માંગે છે.' પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, જો તેમ થાય તો દુનિયાના તેલ પ્રવાહ ઉપરના એક વિશાળ ભાગ ઉપર ચીનનો કબ્જો આવી જાય. ચીન માટે તો તે એક તખ્તા પલટ જેવી ઘટના બની રહે.' તેમણે વધુમાં કહ્યું કે, 'મારી તો ગણતરી છે કે ચીન તે દિશામાં આગળ વધશે જ ચીન ઇરાન સાથે ગઠબંધન સાધશે અને તે સુનિશ્ચિત કરશે કે દુનિયાભરના તેલ ભંડાર ઉપર તેનો કબ્જો રહે.'
કાર્નેગી ફાઉન્ડેશનના અબ્દુલ્લાહ બાબૂદનું કહેવું છે કે, ખાડી દેશો ઉપરની તેલ સંબંધી નિર્ભરતાથી ચીન મુશ્કેલીમાં તો મુકાઈ જવાનું છે. તે તેમાંથી માર્ગ શોધી રહ્યું છે. તેથી જ ચીને અમેરિકાએ લાદેલા પ્રતિબંધને એક તરફ રાખી ઇરાન પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. અને ઇરાન ચીન માટે બહુ મોટું (તેલ) સપ્લાયર બની રહ્યું છે. ૨૦૨૧માં બંને દેશો વચ્ચે ૨૫ વર્ષની રણનીતિક ભાગીદારી કરારો પણ થયા હતા. તેથી બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત બન્યા છે તેમાં સસ્તા તેલની સાથે ચીન દ્વારા કરાતા રોકાણનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત ચીને ખાડી દેશોમાં પણ ભારે રોકાણો કર્યા છે. ખાડી સાથે સંબંધિત યુ.એ.ઇ., ઓમાન અને પાકિસ્તાનમાં પણ રોકાણો કર્યા છે. પાઇપ લાઇન અને રેલ નેટવર્ક વિકસિત કરવા સાથે તેમની સાથે વેપાર-વૃદ્ધિ પણ કરી છે. ચીનનો પ્રભાવ તેલ ઉપરાંત ઇન્ફ્રા-સ્ટક્ચર્સ, ટેલિકોમ, ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રો સુધી ફેલાયો છે. જો કે, ચીન હજીયે અમેરિકા જેવી ગેરેન્ટી તો આપી શકે તેમ નથી પરંતુ ખાડી દેશોમાં અમેરિકાનો ઘટતો પ્રભાવ ચીન માટે મહત્ત્વની તક બની રહ્યો છે.
આ યુદ્ધ લાંબુ ચાલશે જ તેમ કહેતા સૌરભ મુખર્જી જણાવે છે કે, તે યુદ્ધ શક્તિના પારખા કરશે. ભારત માટે પણ આ યુદ્ધ 'પડકારરૂપ' છે તેમ કહેતા મુખર્જી વધુમાં જણાવે છે કે તેલ મોંઘુ થતા રૂપિયાની કિંમત ઘટશે, વ્યાજદર વધી શકે તેની અર્થતંત્ર પર પણ અસર પડશે જ.


