ઓમાનના પાઇલટને મંજૂરી કેમ આપી? ફ્લાયદુબઈ હાઇજેક કાંડ બાદ UAEના 'બ્લન્ડર' મુદ્દે ઇઝરાયલ લાલઘૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flydubai Hijack Attempt : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કોકપિટની અંદર થયેલી હિંસક ઘટના બાદ ઈઝરાયલ અને UAE વચ્ચે સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. ફ્લાઇટમાં કો-પાઇલટે ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છર પર છરીથી હુમલો કર્યો અને વિમાનને નિયંત્રણ બહાર લઈ જઇને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો હતો. જોકે, હુમલાનું ચોક્કસ કારણ અને કો-પાઇલટનો હેતુ હજુ તપાસ હેઠળ છે.
ઓમાની કો-પાઇલટને અંગે મોટો સવાલ
ફ્લાઇટમાં 174 મુસાફરો હતા. ઘટનામાં સામેલ કો-પાઇલટ ઓમાનનો નાગરિક હોવાનું ઈઝરાયલી અધિકારીઓના હવાલાથી અહેવાલોમાં જણાવાયું છે. જોકે, તેનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. સાઉદી અરેબિયાના તબૂક ઍરપૉર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ તેને સાઉદી સત્તાવાળાઓએ કસ્ટડીમાં લીધો છે. આ ઘટના બાદ ઈઝરાયલમાં સૌથી મોટો સવાલ એ છે કે ઓમાન અને ઈઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો ન હોવા છતાં ઓમાની નાગરિકને ઈઝરાયલ જતી ફ્લાઇટના કોકપિટ ક્રૂમાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યો.
પાઇલટ સંબંધે ખૂબ જ કડક છે ઇઝરાયલ
‘જેરુસલમ પોસ્ટ’ના અહેવાલ મુજબ, ઈઝરાયલમાં ફ્લાયદુબઈની કામગીરી અંગેના કરારમાં પાઇલટ એવા દેશોના હોવા જોઈએ જેમણે ઈઝરાયલ સાથે સંબંધો સામાન્ય કર્યા હોય. ઓમાન આ યાદીમાં નથી. આ મુદ્દે ઈઝરાયલના પરિવહન મંત્રી મીરી રેગેવ દ્વારા ફ્લાયદુબઈની ઈઝરાયલ આવતી-જતી ફ્લાઇટ્સ રોકવાની માગ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
30 સેકન્ડમાં 14 હજાર ફૂટ નીચે આવ્યું વિમાન
ફ્લાઇટ દુબઈથી તેલ અવીવ તરફ જઈ રહી હતી ત્યારે કોકપિટમાં બંને પાઇલટ વચ્ચે અથડામણ થઈ. અહેવાલો અનુસાર, હુમલા દરમિયાન વિમાન લગભગ 30 સેકન્ડમાં 14 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. ફ્લાઇટે પહેલા સામાન્ય ઈમરજન્સી કોડ 7700 અને ત્યારબાદ ગેરકાયદેસર દખલ અથવા હાઇજેક સાથે જોડાયેલો 7500 કોડ પ્રસારિત કર્યો હતો. ઘટના દરમિયાન ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છર ઘાયલ થયા હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ મુસાફરો અને ક્રૂના સભ્યોએ હુમલાખોર કો-પાઇલટને કાબૂમાં લીધો હતો. વિમાનને સાઉદી અરેબિયાના તબૂક ઍરપૉર્ટ તરફ વાળવામાં આવ્યું અને ત્યાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે એજન્સીઓ તપાસમાં લાગી
હવે ઈઝરાયલી અને સાઉદી સત્તાવાળાઓ સહિત સંબંધિત એજન્સીઓ તપાસ કરી રહી છે કે હુમલા પાછળનું કારણ શું હતું અને ઓમાની નાગરિકને આ સંવેદનશીલ ફ્લાઇટના ક્રૂમાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યો. ઈઝરાયલે વિદેશી એરલાઇન્સના પાઇલટોની સુરક્ષા તપાસ વધુ કડક કરવાની જાહેરાત પણ કરી છે.




