World

ટ્રમ્પે ઇરાન ઉપર હુમલો શા માટે રોક્યો ? પછીથી આજ સુધીમાં આપેલી સૌથી કડક ધમકી

By GS Team
19 May 20262 mins read
ટ્રમ્પે ઇરાન ઉપર હુમલો શા માટે રોક્યો ? પછીથી આજ સુધીમાં આપેલી સૌથી કડક ધમકી

- અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરી યુધ્ધ ફાટી નીકળવાના સંકેત, બંને ગમે ત્યારે ઇરાન પર પ્રચંડ હુમલો શરૂ કરે તેવી પૂરી શક્યતા દેખાઈ છે

નવી દિલ્હી : અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરી એકવાર યુધ્ધ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. અમેરિકા અને ઇઝરાયલ કોઇપણ સમયે ફરી પ્રચંડ હુમલો શરૂ કરશે તેમ ન્યૂયોર્ક ટાઇમ્સ જણાવે છે અને વધુમાં લખે છે કે તે હુમલા અંગે પૂરી તૈયારીઓ થઈ રહી છે. તે બંને ગમે ત્યારે પ્રચંડ બોંબ વર્ષા કરવા તૈયાર થયા છે.

બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્રૂથ-સોશ્યલ ઉપર લાંબુ નિવેદન પ્રસિધ્ધ કરતાં કહ્યું છે કે, કતારના અમીર શેખ તમીલ બિન હમદ - અલ- થાની સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને યુએઇના પ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને મને ભારપૂર્વક કહ્યું હતું કે ઇરાન સાથે ગંભીર વાતચીત ચાલી રહી છે તેથી સૈન્ય કાર્યવાહી અટકાવી રાખવી પડે.

પ્રમુખ ટ્રમ્પે તેઓના અનુરોધથી અત્યારે હુમલો અટકાવી રાખ્યો છે.

આ સામે ઇરાનના પ્રમુખ પેઝેશ્કીયાને કહ્યું છે કે મંત્રણા કરવાનો અર્થ સમર્પણ કરવું તેવો નથી. ઇરાન ગરીમા અને મજબૂરી સાથે મંત્રણામાં ઉતર્યું છે અને દેશ તથા જનતાના કાનૂની અધિકારોથી એક ઇંચ પણ પાછું હઠશે નહીં.

કતારના અમીર, સઉદી ક્રાઉન પ્રિન્સ અને યુએઇના પ્રમુખનું માનવું છે કે મંત્રણા દ્વારા અમેરિકા સહિત સંપૂર્ણ મધ્ય પૂર્વ અને અન્ય દેશો માટે પણ સંતોષજનક બની શકે, તેવી સમજૂતી સંભવિત જ છે. આ સમજૂતીનું મહત્વનું પાસું તે છે કે, ઇરાનને કોઇ પણ સંજોગોમાં પરમાણુ શસ્ત્ર બનાવવાની મંજૂરી આપવી જ ન જોઈએ.

આ પછી પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, તે નેતાઓનાં સન્માન માટે તેમજ વોર સેક્રેટરી પીટ હેહસેથ, જોઇન્ટ ચીફ સ્ટાફના ચેરમેન જનરલ ડેનીયલ કેને તથા અમેરિકી સૈન્ય દળોના કહેવાથી આવતીકાલથી નિર્ધારીત કરેલો હુમલો ન કરવામાં આવે. તે સંભવીત હુમલો રોકી રખાયો છે. જો સમજૂતી ન સધાય તો મોટા પાયે હુમલો કરવા તૈયાર રહેવા  સેનાઓને કહી દેવાયું છે.