World

ભુતાને ભારતની E20 પેટ્રોલની ઓફર કેમ નકારી કાઢી? જાણો વૈજ્ઞાનિક કારણ

By GS Team
4 Jul 20265 mins read
TukuTouch Logo
ભારતના પાડોશી દેશ ભૂતાને E20 પેટ્રોલની ઓફર ઠુકરાવી દીધી છે. ભૂતાને ભારતીય ઓઈલ કંપનીઓને સ્પષ્ટ જણાવ્યું કે, જ્યાં સુધી ભારતમાં સામાન્ય પેટ્રોલ ઉપલબ્ધ છે, ત્યાં સુધી તેમને તે જ સપ્લાય કરવામાં આવે. ભૂતાનનું જૂનું ઈંધણ સંગ્રહ માળખું, ઠંડું અને ભેજવાળું વાતાવરણ, તેમજ પહાડી ભૂપ્રદેશ મુખ્ય કારણો છે. E20 પેટ્રોલમાં ભેજ ભળવાથી તે બગડી જાય છે અને જૂના વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભુતાને ભારતની E20 પેટ્રોલની ઓફર કેમ નકારી કાઢી? જાણો વૈજ્ઞાનિક કારણ

Bhutan rejects E20 petrol: પર્યાવરણને બચાવવા અને આયાતી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર દેશમાં ઇથેનોલ-મિશ્રિત ઇંધણ (E20 Petrol) તરફ ઝડપથી આગળ વધી રહી છે. ભારતમાં આ નીતિને લઈને વાહન ચાલકોમાં માઇલેજ અને એન્જિનના પરફોર્મન્સ બાબતે ભારે ચર્ચા અને વિરોધ ચાલી રહ્યો છે. આ દરમિયાન, ભારતના પડોશી દેશ ભુતાને એક મોટો નિર્ણય લીધો છે. ભુતાને ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) તરફથી મળેલી E20 પેટ્રોલ સપ્લાય કરવાની ઓફરને નકારી કાઢી છે. ભુતાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ભારતીય બજારમાં સામાન્ય (શુદ્ધ) પેટ્રોલ ઉપલબ્ધ છે, ત્યાં સુધી તેમને જૂનું અને સામાન્ય પેટ્રોલ જ સપ્લાય કરવામાં આવે. પરંતુ, આખરે આ નાનકડા પહાડી દેશે ભારતની આ ઓફર કેમ ઠુકરાવી દીધી? ચાલો જાણીએ તેની પાછળનું રસપ્રદ કારણ.

ના પાડવા પાછળનું મુખ્ય કારણ: જૂનું માળખું અને કેમિસ્ટ્રી

ભુતાનના આ નિર્ણય પાછળ કોઈ રાજકીય કારણ નથી, પરંતુ તેમનું નબળું ઇંધણ સંગ્રહ માળખું (Fuel Storage Infrastructure) જવાબદાર છે. ભુતાનમાં પેટ્રોલ સંગ્રહ કરવા માટે જે ભૂગર્ભ ટાંકીઓ (Underground Tanks) આવેલી છે તે ખૂબ જ જૂની થઈ ગઈ છે. આ ટાંકીઓમાં પાણી અથવા ભેજ ઘૂસી જવાની શક્યતા ઘણી વધારે રહે છે.

અહીં વિજ્ઞાન (Chemistry) મહત્ત્વનો ભાગ ભજવે છે. સામાન્ય પેટ્રોલ સરળતાથી પાણીને શોષતું નથી. પરંતુ, E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ હોય છે, જેમાં 'હાઇડ્રોક્સિલ ગ્રુપ' હોવાને કારણે તે ખૂબ જ 'હાઇગ્રોસ્કોપિક' (ભેજ ગ્રાહી) હોય છે. એટલે કે તે તેની આજુબાજુના વાતાવરણમાંથી ભેજ કે પાણીને ખૂબ જ ઝડપથી પોતાની અંદર ખેંચી લે છે. જો આવી લીક થતી કે ભેજવાળી ટાંકીઓમાં E20 પેટ્રોલ રાખવામાં આવે, તો તે પાણીને શોષીને પાતળું અને નકામું થઈ જાય છે. આના કારણે ટાંકીઓ અને પાઇપલાઇનમાં કાટ લાગે છે.

ઇથેનોલ અને પેટ્રોલ વચ્ચે 'છૂટાછેડા' કરાવે છે પાણી

E20 પેટ્રોલમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશે તો ઇથેનોલ પેટ્રોલ સાથેનો પોતાનો બોન્ડ (બંધન) તોડી નાખે છે અને પાણી સાથે જોડાઈ જાય છે. ઇથેનોલ અને પાણી એકબીજામાં ભળીને એક નવું મિશ્રણ બનાવે છે, જે પેટ્રોલમાં નાના-નાના અસંખ્ય ટીપાં (Droplets) સ્વરૂપે ફેલાઈ જાય છે. વિજ્ઞાનમાં આ સ્થિતિને 'ઇમલ્શન' (Emulsion) કહે છે. આ નાના ટીપાંઓમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય છે, ત્યારે તે પ્રકાશનું પરાવર્તન (Refraction) કરે છે, જેના કારણે પારદર્શક દેખાતું પેટ્રોલ દૂધિયા રંગનું કે ધૂંધળું (Milky/Cloudy) દેખાવા લાગે છે. જો આ દૂધિયા ઇંધણને થોડો સમય એમનેમ રાખવામાં આવે, તો પાણી અને ઇથેનોલનું મિશ્રણ ભારે હોવાને કારણે ટાંકીના તળિયે બેસી જશે (જેને વિજ્ઞાનમાં 'ફેઝ સેપરેશન' કહે છે) અને શુદ્ધ પેટ્રોલ ઉપર આવી જશે. આ સ્થિતિ વાહનના એન્જિનો માટે જોખમી છે.

પહાડી ભૂપ્રદેશનો પડકાર

ભુતાન એક પર્વતીય દેશ છે જ્યાં રસ્તાઓ અત્યંત ઢાળવાળા અને કઠિન છે. આવા વિસ્તારોમાં વાહનોને આગળ વધવા માટે મહત્તમ એન્જિન પાવરની જરૂર પડે છે. ઇથેનોલની કેલરીફિક વેલ્યુ (ઊર્જા આપવાની ક્ષમતા) શુદ્ધ પેટ્રોલ કરતાં આશરે 30% ઓછી હોય છે. એટલે જ્યારે ગાડી ચઢાણ પર હોય ત્યારે E20 ઇંધણ સળગવાથી એન્જિનને શુદ્ધ પેટ્રોલ જેટલો જોરદાર પાવર (Torque) મળતો નથી, જે ભુતાનમાં બહુ મોટી સમસ્યા બની શકે છે.

ઘનીકરણની સમસ્યા નડે

ભુતાનના પર્વતીય વિસ્તારોનું વાતાવરણ ખૂબ જ ઠંડું હોય છે અને હવામાં ભેજ (Humidity) નું પ્રમાણ વધારે હોય છે. જ્યારે ભેજવાળી હવા પેટ્રોલ સંગ્રહ કરવાની ભૂગર્ભ ટાંકીઓની આસપાસ કે તેની અંદરના ખાલી ભાગના સંપર્કમાં આવે છે, ત્યારે તાપમાનના તફાવતને કારણે હવામાંનો ભેજ ઠંડો થઈને દીવાલો પર પાણીના ટીપાં સ્વરૂપે જામે છે. આ પ્રક્રિયાને ઘનીકરણ કહેવાય છે. દીવાલ પર જામેલા પાણીના ટીપાં પછી ટાંકીની અંદરના પેટ્રોલમાં ભળવા લાગે છે.
સામાન્ય પેટ્રોલમાં આ પાણી તળિયે બેસી જાય છે, જેથી તેને સરળતાથી સાફ કરી શકાય છે. પરંતુ, જો ટાંકીમાં ઇથેનોલવાળું પેટ્રોલ હોય, તો આ ઘનીકરણથી બનેલું પાણી ઇથેનોલ સાથે ભળીને આખા પેટ્રોલને કેમિકલ લોચા કરીને દૂધિયું અને નકામું બનાવી દે છે. પર્વતોના અતિશય ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં ઘનીકરણની કુદરતી પ્રક્રિયાને અટકાવવી લગભગ અશક્ય બની જાય છે. તેથી ભુતાનમાં E20 ઇંધણ સમસ્યારૂપ બને એમ છે.

એન્જિનના પાર્ટ્સ પર નકારાત્મક અસર

ઇથેનોલ સ્વભાવે એસિડિક અને સોલ્વન્ટ (દ્રાવક) જેવો હોય છે. જૂની ગાડીઓ કે જે E20 સુસંગત (Compliant) નથી, તેના એન્જિનમાં રહેલા રબરના હોઝ (પાઇપ), પ્લાસ્ટિકના પાર્ટ્સ અને ફ્યુઅલ પંપના સીલ આ ઇથેનોલના કારણે ઓગળવા કે સડવા લાગે છે. તેથી ભુતાનના જૂના વાહનોને એન્જિન ડેમેજનો મોટો ખતરો છે.

ભુતાનની પર્યાવરણીય સ્થિતિ

ભારતમાં પ્રદૂષણ મોટી સમસ્યા છે. ઇથેનોલ તરફ વળવાનું કારણ પ્રદૂષણમાં ઘટાડો કરવાનું છે. ભુતાનમાં પ્રદૂષણની સમસ્યા જ નથી. ભુતાન દુનિયાનો એકમાત્ર 'કાર્બન નેગેટિવ' (Carbon Negative) દેશ છે, એટલે કે તે જેટલો કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડે છે, તેના કરતાં વધુ તેના જંગલો શોષી લે છે. તેથી ભુતાનને ભારતની જેમ ઇકો-ફ્રેન્ડલી ઇંધણ અપનાવવાની કોઈ ઉતાવળ કે પર્યાવરણીય દબાણ નથી.

ભારતમાં E20 પેટ્રોલ અંગેનો વિવાદ

ભારતમાં પણ E20 પેટ્રોલ (20% ઇથેનોલ અને 80% પેટ્રોલનું મિશ્રણ) ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને વર્ષ 2023 પહેલાં બનેલા વાહનોના માલિકો ફરિયાદ કરી રહ્યા છે કે આ ઇંધણના કારણે તેમના વાહનની ઇંધણ કાર્યક્ષમતા (માઇલેજ) ઘટી ગઈ છે અને એન્જિનમાં ઘસારો તેમજ જાળવણીનો ખર્ચ વધી ગયો છે. સરકારે પણ સ્વીકાર્યું છે કે E20થી માઇલેજમાં થોડો ઘટાડો થાય છે.

આ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે E20 નીતિને એક "પ્રયોગ" ગણાવી હતી અને કહ્યું હતું કે તેના પરિણામો આગામી વર્ષે જ ખબર પડશે. જોકે બાદમાં આ અંગે આક્રોશ ફાટી નીકળતાં સરકારે આવી કોઈ ટિપ્પણીનો ઇનકાર કર્યો હતો, પણ એટર્ની જનરલનો આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીજી તરફ, ભારતે હવે વાહનો પર E25 (25% ઇથેનોલ મિશ્રણ)નું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે.

ભુતાનની ભારત પાસે માંગ

ભુતાન અત્યારે તેનું તમામ ઇંધણ ભારતની સરકારી ઓઈલ કંપનીઓ (IOCL, BPCL, HPCL) પાસેથી જ ખરીદે છે. ભુતાન ભારતના સામાન્ય પંપ પર મળતા પેટ્રોલ કરતાં વધુ મોંઘું અને ઉચ્ચ નિકાસ ગુણવત્તાવાળું (High-export quality) શુદ્ધ પેટ્રોલ-ડીઝલ ખરીદે છે. ભુતાને ભારતીય કંપનીઓને વિનંતી કરી છે કે,

  1. જો ભારત ભવિષ્યમાં સંપૂર્ણપણે ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ તરફ જવાનું નક્કી કરે, તો ભુતાનને તેની અગાઉથી જાણ કરવામાં આવે.
  2. ભારતીય કંપનીઓ તેમને સુરક્ષિત અને લીક-પ્રૂફ સ્ટોરેજ ટાંકીઓ પ્રદાન કરવામાં મદદ કરે.

ઇકો-ફ્રેન્ડલી ઇંધણ બધે એકસમાન લાગુ ન પડી શકે

આ કિસ્સો સાબિત કરે છે કે ઇકો-ફ્રેન્ડલી ઇંધણ તરફ આગળ વધવા માટે 'વન-સાઈઝ-ફિટ્સ-ઓલ' (બધા માટે એક જ નિયમ)નું મોડેલ કામ કરી શકતું નથી. કોઈપણ દેશની ભૌગોલિક પરિસ્થિતિ, હવામાન અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે તે ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. કઠિન પહાડી વિસ્તારો અને નબળા સંગ્રહ માળખાવાળા દેશો માટે આજે પણ શુદ્ધ પેટ્રોલ જ સૌથી સુરક્ષિત વિકલ્પ છે.