World

કોણ છે મોહસિન નકવી? જે પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ અને ઝરદારીના સામ્રાજ્યને પડકારી રહ્યા છે

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના રાજકારણમાં 47 વર્ષીય મોહસિન નકવીનો ઝડપી ઉદય થયો છે. તેઓ ગૃહમંત્રી, PCB ચીફ અને ACC પ્રેસિડેન્ટ છે. જનાધાર વિના પણ આર્મી ચીફ આસિમ મુનીરના આશીર્વાદથી તેમનો દબદબો છે. પત્રકારત્વથી સત્તાના શિખર સુધી પહોંચેલા નકવીને 'એસ્ટાબ્લિશમેન્ટનો ફેવરિટ ચહેરો' ગણાય છે. તેમની જ સરકારે નિષ્ફળ ગણાવી, જેનાથી શરીફ સરકારમાં ખળભળાટ મચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોણ છે મોહસિન નકવી? જે પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ અને ઝરદારીના સામ્રાજ્યને પડકારી રહ્યા છે

Pakistan Political News : પાકિસ્તાનના રાજકારણમાં 47 વર્ષીય મોહસિન નકવી (Mohsin Naqvi)નો ઉદય વીજળીની ઝડપે થયો છે. તેઓ સૈન્ય ગણવેશ નથી પહેરતા, પરંતુ આર્મી ચીફ આસિમ મુનીર (Asim Munir)ના આશીર્વાદથી તેમનો દબદબો લશ્કરી અધિકારીઓ જેવો જ છે. નકવી પાકિસ્તાનના ગૃહ મંત્રી હોવા સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ પણ છે. કોઈ મોટો જનાધાર ન હોવા છતાં લશ્કરના સમર્થનને કારણે તેમને 'એસ્ટાબ્લિશમેન્ટનો ફેવરિટ ચહેરો' ગણવામાં આવે છે.

પત્રકારત્વથી સત્તાના શિખર સુધીની સફર

મોહસિન નકવીએ પોતાના કરિયરની શરૂઆત CNNમાં ઈન્ટર્નશિપથી કરી હતી અને પાછળથી સાઉથ એશિયાના રિજનલ હેડ બન્યા હતા. 2009માં માત્ર 31 વર્ષની ઉંમરે તેમણે સિટી મીડિયા ગ્રુપની સ્થાપના કરી હતી. મીડિયા સામ્રાજ્ય ઉભું કરવાની સાથે તેમણે રાજકીય સંબંધો મજબૂત કર્યા. જાન્યુઆરી 2023માં તેઓ પંજાબના કાર્યવાહક મુખ્યમંત્રી બન્યા, જ્યાં તેમણે વહીવટી તંત્ર અને સેના સાથે મજબૂત તાલમેલ સ્થાપિત કર્યો.

આર્મી ચીફ આસિમ મુનીર સાથેની નિકટતા

પંજાબના કાર્યવાહક CM તરીકે 9 મે 2023ની હિંસા બાદ PTI વિરૂદ્ધ કાર્યવાહી કરીને તેમણે સેનાનો વિશ્વાસ જીત્યો હતો. 2024ની સામાન્ય ચૂંટણીઓ પછી તેમને દેશના ગૃહ મંત્રી બનાવાયા. સોશિયલ મીડિયા પર બંને વચ્ચે સગા સંબંધી હોવાના દાવો પણ થાય છે. વિદેશ નીતિમાં પણ તેમનો પ્રભાવ છે, ઈરાન સંકટ વખતે તેમણે સેનાના ખાસ પ્રતિનિધિ તરીકે દૌત્ય કાર્યો સંભાળ્યા હતા.

ઈમરાન ખાને 'વાઈસરોય' ગણાવ્યા

જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan)એ 2024માં એક ઈન્ટરવ્યુમાં નકવીને 'વાઈસરોય' કહ્યા હતા. ખાને દાવો કર્યો હતો કે, 'બાદશાહ ગુપ્ત રીતે કામકાજ સંભાળી રહ્યા છે અને ગૃહ મંત્રી વાઈસરોયની જેમ કામ કરે છે, જ્યારે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ (Shehbaz Sharif) પાસે કોઈ અધિકાર નથી.'

પોતાની જ સરકાર સામે મોરચો મંડ્યો

તાજેતરમાં જ નકવીએ પોતાની જ સરકાર અને સિસ્ટમને નિષ્ફળ ગણાવી હતી અને 20 વર્ષના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. જેમાં નેતાઓ, જજ, વકીલો અને અફસરો સામેલ હોવાનું કહ્યું હતું. તેમના આ નિવેદનથી શરીફ અને ઝરદારી (Asif Ali Zardari) ખેમામાં ખળભળાટ મચી ગયો છે. નિષ્ણાતો આને મુનીરના ઈશારે નાગરિક સરકારને નબળી પાડવાનું 'પાવર પ્લે' માને છે.

સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનો પલટવાર

ગૃહ મંત્રીના નિવેદન પર શાહબાઝ શરીફ મૌન રહ્યા, પરંતુ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ (Khawaja Asif)એ તીખી પ્રતિક્રિયા આપી હતી. આસિફે સલાહ આપી કે જો સિસ્ટમ બદલવી હોય તો ગૃહ મંત્રાલય અને PCBથી શરૂઆત કરો, જ્યાં ચાહકો કામગીરીથી અસંતોષ છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે નકવી કેબિનેટ કે સંસદમાં આવતા નથી અને જો સૌથી શક્તિશાળી મંત્રી જ સિસ્ટમથી નારાજ હોય તો બાકીના મંત્રીઓએ ઘરે જતું રહેવું જોઈએ.

પરવેઝ મુશર્રફ જેવી શક્તિઓ મેળવવાનો ખેલ?

સંરક્ષણ નિષ્ણાતોના મતે, આસિમ મુનીર નકવીને આગળ કરીને શાહબાઝ શરીફ સરકારને દરકિનાર કરી રહ્યા છે. એવું પણ માનવામાં આવે છે કે પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)ની જેમ મુનીર પોતે રાષ્ટ્રપતિ અને ડિફેન્સ ફોર્સિસના પ્રમુખનું પદ સંભાળી શકે તે માટે નકવી માહોલ બનાવી રહ્યા છે.

શરીફ અને ભુટ્ટો પરિવાર માટે નવો પડકાર

હાલમાં શાહબાઝ શરીફ પંજાબમાં અને ઝરદારી-બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) સિંધમાં પોતાનો પ્રભાવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લશ્કર જો કોઈ નવા સિવિલિયન ચહેરાને આગળ ધરે તો આ પરંપરાગત રાજકીય પરિવારોને મોટું નુકસાન થઈ શકે છે. વિના ગણવેશ કે જનાધાર વગર પણ સત્તાના ગલિયારામાં મજબૂત પકડ ધરાવતા નકવીને હવે 'બિના વર્દીવાળા મુનીર' કહેવામાં આવી રહ્યા છે.