World

વ્હાઈટ હાઉસે ગુજરાત, પુણે અને ચેન્નઈને 'અગ્લી સિસ્ટર સિટીઝ' ગણાવ્યા! અમેરિકાની નોકરીઓ જોખમમાં મૂકવાનો આરોપ

By GS Team
15 Aug 20264 mins read
TukuTouch Logo
વ્હાઇટ હાઉસે પુણે, ગુજરાત અને ચેન્નઈને "અગ્લી સિસ્ટર સિટીઝ" ગણાવ્યા છે. અમેરિકાના તાજેતરના અહેવાલ મુજબ, આ ભારતીય શહેરો ચીનથી આવતા માલને ઓછા ટેરિફ પર યુએસમાં મોકલીને અમેરિકી ઉદ્યોગોને નુકસાન પહોંચાડે છે. આ "ટેરિફ આર્બિટ્રેજ"થી અમેરિકાને અબજો ડોલરની આવક ગુમાવવી પડે છે અને 450,000 નોકરીઓ જોખમમાં મુકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વ્હાઈટ હાઉસે ગુજરાત, પુણે અને ચેન્નઈને 'અગ્લી સિસ્ટર સિટીઝ' ગણાવ્યા! અમેરિકાની નોકરીઓ જોખમમાં મૂકવાનો આરોપ

White House Trade Report: Why Pune, Gujarat, and Chennai are Labeled Ugly Sister Cities | વૈશ્વિક વેપાર જગતમાં અત્યારે એક નવો રાજકીય અને આર્થિક ગણગણાટ શરૂ થયો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ વોર વચ્ચે અચાનક ભારતના ત્રણ અગ્રણી ઔદ્યોગિક ક્ષેત્રો—પુણે, ગુજરાત અને ચેન્નઈ—વ્હાઇટ હાઉસના ટેબલ પર ચર્ચાનો વિષય બન્યા છે. વ્હાઇટ હાઉસે પોતાના તાજેતરના અહેવાલમાં આ ત્રણ ભારતીય હબને અમેરિકન ઔદ્યોગિક શહેરો સાથે સરખાવીને એક અનોખું નામ— અગ્લી સિસ્ટર સિટીઝ—આપ્યું છે. પરંતુ ચીન સાથેના વેપાર સંઘર્ષમાં ભારતના આ શહેરોનું નામ કેમ જોડાયું? શું આ માત્ર એક સંયોગ છે કે પછી વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ચાલી રહેલી કોઈ મોટી રમતનો સંકેત?

'અગ્લી સિસ્ટર સિટીઝ' એટલે શું?

વ્હાઇટ હાઉસના તાજેતરના અહેવાલ 'ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ: રાઇઝ, સ્કોપ અને કોસ્ટ્સ' માં ભારતના પુણે, ગુજરાત અને ચેન્નઈને અમેરિકાના સિનસિનાટી, ડેટન અને કોલંબસ સાથે સરખાવવામાં આવ્યા છે, અને તેમને ‘અગ્લી સિસ્ટર સિટીઝ’ (ugly sister cities) ગણાવાયા છે.

આમ તો ‘અગ્લી’ શબ્દનો અર્થ ‘કદરૂપું’ થાય, પણ અહીં એનો અર્થ ‘નુકસાનકારક’ કરવાનો છે. આ શબ્દપ્રયોગ એવા વિદેશી ઉત્પાદન કેન્દ્રો દર્શાવવા માટે વપરાયો છે જે સમાન ઉત્પાદનો (જેમ કે પંપ અને કોમ્પ્રેસર) બનાવીને અમેરિકાના સ્થાનિક ઔદ્યોગિક ક્ષેત્રો સામે સીધી બજાર સ્પર્ધા કરે છે.

સામાન્ય રીતે 'સિસ્ટર સિટીઝ' શબ્દ બે દેશોના શહેરો વચ્ચેના પરસ્પર સહયોગ માટે વપરાય છે, પરંતુ વ્હાઇટ હાઉસે તેને વિરોધાભાસી અર્થમાં વાપર્યો છે, જેની પાછળનું અસલી કારણ ‘ટેરિફ આર્બિટ્રેજ’ (Tariff Arbitrage) છે. ચીન પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફથી બચવા માટે જ્યારે ચીની માલ પુણે, ગુજરાત કે ચેન્નઈ જેવા ભારતીય ઔદ્યોગિક કેન્દ્રો દ્વારા ઓછા ટેરિફે યુએસ મોકલવામાં આવે છે, ત્યારે તે અમેરિકન બજારમાં ખૂબ સસ્તો પડે છે. પરિણામે સિનસિનાટી, ડેટન અને કોલંબસ જેવા શહેરોમાં એ જ ગુણવત્તાના (પંપ અને કોમ્પ્રેસર જેવા) સ્થાનિક અમેરિકન ઉત્પાદકો આ અસમાન ભાવ સ્પર્ધા સામે પોતાનું બજાર ગુમાવી બેસે છે. અમેરિકાના દૃષ્ટિકોણથી ટેરિફ બચાવીને ઊભી કરાયેલી આ કૃત્રિમ અને અપ્રમાણિક સ્પર્ધા સ્થાનિક ઉદ્યોગો માટે ‘નુકસાનકારક’ સાબિત થઈ રહી હોવાથી, વ્હાઇટ હાઉસે સમાન ઉત્પાદન બનાવતા ભારતીય કેન્દ્રોને અમેરિકન શહેરો માટે ‘અગ્લી સિસ્ટર સિટીઝ’ તરીકે ઓળખાવ્યા છે.

'ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ' અહેવાલ શું છે?

અમેરિકાએ 2018 થી ચીનમાંથી આવતી ચીજવસ્તુઓ પર ઊંચા ટેરિફ (આયાત જકાત) લાદ્યા છે. આ ઊંચા ટેરિફથી બચવા માટે ચીની માલ સીધો અમેરિકા જવાને બદલે ત્રીજા દેશોમાં મોકલવામાં આવે છે.

ટેરિફ આર્બિટ્રેજ: ત્રીજા દેશમાં સામાન્ય પ્રોસેસિંગ, રિપેકેજિંગ કે કાગળિયાં બદલીને તેને એ દેશનું ઉત્પાદન ગણાવી યુએસ મોકલવામાં આવે છે, જેથી ઓછો ટેક્સ ભરવો પડે. આ પ્રક્રિયાને અમેરિકા 'શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક' તરીકે ઓળખાવે છે.

બીજા દેશો સાથે ભારત પણ ‘સંભવિત જોખમ’

અમેરિકાના ઉત્પાદકોને નુકસાન પહોંચાડતા દેશોની યાદીમાં ભારત સાથે કેનેડા, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયનને પણ મૂકવામાં આવ્યું છે.

ડાયવર્સિફાઇડ સ્કેલ લીડર્સ: આ દેશો પર કોઈ સીધો ગુનો સાબિત થયો નથી, પરંતુ તેમનો વિશાળ ઉત્પાદન પાયો, ચીન સાથે મોટો વેપાર અને યુએસમાં મોટી નિકાસ હોવાને લીધે તેમને ‘સંભવિત જોખમ’ ગણાવાયા છે.

યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટના અંદાજ મુજબ, 2025 માં ચીનથી મેક્સિકો, ભારત અને વિયેતનામ થઈને આશરે $67 બિલિયનનો માલ અમેરિકા પહોંચ્યો હોવાની શક્યતા છે.

આ સમસ્યા અમેરિકા માટે કેટલી મોટી છે?
વ્હાઇટ હાઉસનું વિશ્લેષણ નીચે મુજબના આંકડા આપે છે.

  • સંભવિત ટ્રાન્સશિપમેન્ટનો વાર્ષિક વ્યાપ $40 બિલિયન થી $303 બિલિયન વચ્ચે હોઈ શકે છે, જેનો કેન્દ્રીય અંદાજ લગભગ $75 બિલિયન છે.
  • તેના કારણે અમેરિકાને અબજો ડોલરની ટેરિફ આવક ગુમાવવી પડે છે અને આશરે 450,000 યુએસ નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે.

શું ચીની પાર્ટ્સ વાપરવાથી ભારતીય પ્રોડક્ટ ચીની બની જાય છે?
ના, બિલકુલ નહીં.

  • જો કોઈ ભારતીય કંપની ચીનમાંથી કાચો માલ, સ્ટીલ કે મોટર્સ આયાત કરીને ભારતમાં તેનું નોંધપાત્ર ઉત્પાદન અને એસેમ્બલિંગ કરે, તો તે કાયદેસર રીતે ભારતીય ઉત્પાદન જ ગણાય.
  • અમેરિકાની ખરી ચિંતા: ચીનમાંથી તૈયાર માલ મંગાવીને માત્ર વેરહાઉસિંગ, નવું લેબલ લગાવવું (રિલેબલિંગ) કે ખોટા ઇન્વોઇસ (બિલ) બનાવીને માલ મોકલવો એ ગેરરીતિ છે. યુએસ કસ્ટમ્સ હવે ‘વાસ્તવિક ઉત્પાદન’ અને ‘માત્ર પેકેજિંગ’ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરી રહ્યું છે.

નવી ટેક્નોલોજી ભારત માટે પડકાર સર્જશે?
યુએસ કસ્ટમ્સ હવે શંકાસ્પદ માલ પકડવા માટે 'ડિટેક્ટીવ બોર્ડર' નામની AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સિસ્ટમનો ઉપયોગ કરશે. આ સિસ્ટમ શિપિંગ રૂટ્સ, ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા અને કંપનીની માલિકીની બારીકાઈથી તપાસ કરશે.

ભારતીય નિકાસકારો માટે શું બદલાશે?

  • હવે માત્ર Made in Indiaનું લેબલ પૂરતું નહીં રહે.
  • કંપનીઓએ સાબિત કરવું પડશે કે ઉત્પાદનમાં વપરાયેલા પાર્ટ્સ ક્યાંથી આવ્યા અને ભારતમાં વાસ્તવમાં કેટલું કામ થયું.
  • ભારતીય ઉદ્યોગોએ તેમના સપ્લાય ચેઈન દસ્તાવેજો અત્યંત મજબૂત અને પારદર્શક રાખવા પડશે.

ભારત માટે આ રિપોર્ટ કેટલો મહત્ત્વનો?
ભારત વૈશ્વિક સ્તરે ચીનનો વિકલ્પ બનીને મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવા માંગે છે ત્યારે આ રિપોર્ટ અત્યંત મહત્ત્વનો છે. અમેરિકા એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ભારત માત્ર ચીની માલ માટે અમેરિકન માર્કેટમાં પ્રવેશવાનો ‘ચોર દરવાજો’ ન બને, પરંતુ ખરેખર એક મજબૂત અને કાયદેસર વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર બને.