પશ્ચિમ અમેરિકા ભીષણ હીટવેવની ઝપેટમાં, દાવાનળનું જોખમ વધ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન : પશ્ચિમી અમેરિકાના મોટા હિસ્સા ભીષણ હીટવેવની ઝપેટમાં આવી ગયા છે, જ્યાં હીટ ડોમને કારણે તાપમાન રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે. નેવાડા, એરિઝોના, કેલિફોર્નિયા અને મોન્ટાના સહિત અનેક રાજ્યોમાં લોકોને ઘરમાં જ રહેવાની, પર્યાપ્ત પાણી પીવાની તેમજ અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. મોસમ વિભાગે ચેતવણી આપી છે કે અત્યાધિક ગરમીને કારણે જંગલોમાં આગનું જોખમ પણ વધી રહ્યું છે.
લાસ વેગાસમાં તાપમાન ૪૬ ડીગ્રી સેલ્સિયસ, ફીનિક્સમાં ૪૬.૫ ડીગ્રી તેમજ કેલિફોર્નિયાના એલ સેન્ટ્રોમાં ૪૮ ડીગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. મોન્ટાનાના ગ્રેટ ફોલ્સમાં પણ ૪૦ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવવાની સંભાવના છે.
રાત્રે પણ તાપમાન વધુ પ્રમાણમાં હોવાથી લોકોને રાહત નથી મળી રહી, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત જોખમ પણ વધી ગયું છે.
ગરમીથી બચાવ માટે અનેક શહેરોમાં કૂલિંગ સેન્ટર, બેઘરો માટે આશ્રય સ્થાન તેમજ જાહેર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જ્યાં લોકો માટે પાણી, ભોજન અને આરામની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બીજી તરફ પાર્કના સ્વિમિંગ પૂલ અને સ્પ્લેશ પેડ ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે. વિશેષજ્ઞાોના મતે હાલની ગરમી અગાઉના વર્ષોની સરખામણીએ ઓછી મુદતની હોઈ શકે છે, પણ તેનો પ્રભાવ અત્યંત ગંભીર છે.
મોસમ વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર સતત ગરમી, દુષ્કાળ અને જોરથી ફૂંકાતી હવાને કારણે પશ્ચિમી અમેરિકાના જંગલોમાં આગનું જોખમ ઝડપથી વધી ગયું છે.
વોશિંગ્ટન રાજ્યમાં કટોકટી જાહેર કરીને મોટાભાગે જાહેરમાં તેમજ કૃષિક્ષેત્રોમાં અગ્નિ પેટાવવાની મનાઈ કરવામાં આવી છે. નિષ્ણાંતોના મતે જળવાયુ પરિવર્તન અને શક્તિશાળી અલ નીનો જેવા મોસમી પરીબળો હીટવેવ, દુષ્કાળ અને વિનાશકારી વાઈલ્ડફાયરની ઘટનાઓને વધુ તીવ્ર બનાવી રહ્યા છે.




