- કરોડો ઇરાનવાસીઓ માનવ સાંકળ રચી માતૃભૂમિ માટે મરણિયા બન્યા
- ઇરાન પરના હુમલામાં 18નાં મોત, અમેરિકાએ ખાર્ગ આઇલેન્ડ પર હુમલો કર્યો, ઇઝરાયેલનો પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલો
- અમેરિકાને એવો જડબાતોડ પાઠ ભણાવીશું કે આવનારી પેઢીઓ યાદ રાખશે : ઇરાનનો વળતો જવાબ
વોશિંગ્ટન : ખાડી યુદ્ધને છ અઠવાડિયા વીતી ગયા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ એક પછી એક અલ્ટીમેટમ આપતા રહ્યા છે અને હવે ૪૮ કલાકનું આખરીનામુ ઇરાનને તેમના તુમાખીભર્યા અંદાજમાં આપતા જણાવ્યું હતું કે આજે રાત્રે એક પૂરેપૂરી સભ્યતા ખતમ થઈ જશે. તેની સામે ઇરાને પણ ટ્રમ્પને વળતો જવાબ આપ્યો છે કે જો ભીષણ હુમલો કર્યો છે તો એવો જવાબ આપીશું કે અમેરિકાની આવતી પેઢીઓ યાદ રાખશે.
ટ્રમ્પે ઇરાનને ધમકાવતા જણાવ્યું હતું કે આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, તેને પાછી લાવી નહીં શકાય. હું આવું ઇચ્છતો નથી, પરંતુ આવું થશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે અમે હવે ઇરાનમાં સત્તા બદલી દીધી છે.
હવે ત્યાં પહેલાની તુલનાએ સ્માર્ટ અને ઓછા કટ્ટર લોકો છે. અમને આજે રાત્રે ખબર પડશે કે ઇરાન કયા પગલાં લઈ રહ્યું છે. આ વિશ્વના ઇતિહાસની સૌથી મહત્ત્વની પળ છે.
ટ્રમ્પના નિવેદન સામે ઇરાનનો વળતો પ્રહાર
ટ્રમ્પના નિવેદનનો વળતો જવાબ આપતા હોય તેમ ઇરાને અમેરિકા સાથે બધા રાજકીય અને પરોક્ષ કમ્યુનિકેશન ચેનલ બંધ કરી દીધી છે. અમેરિકા સાથે કોઈપણ પ્રકારના સંદેશાનું આદાનપ્રદાન બંધ કરી દીધું છે. બીજી બાજુએ અમેરિકાના એક અધિકારીનો દાવો છે કે અમે ઇરાનના સંપર્કમાં છીએ. ઇરાન સાથે અમારી વાતચીત સકારાત્મક રહી. આજનો દિવસ પૂરો થતાં-થતાં કોઈને કોઈ પરિણામ આવશે.
ટ્રમ્પની ધમકી પર દક્ષિણ આફ્રિકા સ્થિત ઇરાની રાજદૂતે જણાવ્યું હતું કે અમેરિકા અને તેના સહયોગીઓને ઇરાનની પ્રાચીન સભ્યતા તરફથી એવો જવાબ મળશે કે તે ક્યારેય ભૂલી નહીં શકે. તુર્કીમાં ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે સિકંદરે સળગાવી દીધા, મંગોલોએ બરબાદ કરી દીધા, આમ ઇતિહાસે કઠોર પરીક્ષા લીધી, આમ છતાં ઇરાનનું અસ્તિત્વ બનેલું છે. હવે જેને સમય ખતમ ન કરી શક્યો તે દેશ એક માનસિક રીતે દેવાળું ફૂંકનારા શખ્સની ધમકીથી ખતમ ન થાય.
અમેરિકાએ ખાર્ગ પર હુમલો કર્યો- ઇઝરાયેલના હુમલામાં ૧૮ના મોત
અમેરિકાએ ધમકીના કલાકો પૂરા થયા પહેલા જ ઇરાન પર હુમલો કરી દીધો અને તેણે ઇરાનના ખાર્ગ ટાપુઓને લક્ષ્યાંક બનાવ્યા જ્યાંથી ઇરાન ૯૦ ટકા ઓઇલ સપ્લાય કરે છે. બીજી બાજુએ ઇઝરાયેલે ઇરાનની દસ રેલ્વે લાઇનો પર હુમલો કર્યો હતો. ઇરાનમાં તહેરાનથી ઉત્તરપશ્ચિમે આવેલા અલબોર્ઝ પ્રાંતમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં ૧૮ના મોત થયા છે અને ૨૪ને ઇજા થઈ છે. ઇરાનમાં તહેેરાન અને તેની આસપાસના પર્વતમાળામાં શસ્ત્રોના પુરવઠાને ખતમ કરવા ઇઝરાયેલ હવાઈ હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલે ઇરાનના શિરાઝમાં આવેલા પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલા કર્યા હતા.
ઇરાને વીજમથકોનું રક્ષણ કરવા ૧.૪ કરોડની માનવ સાંકળ રચવા માંડી
ઇરાનના પ્રમુખે જણાવ્યું હતું કે મારા સહિત ૧.૪ કરોડ લોકો વીજમથકોનું રક્ષણ કરવા માટે માનવ સાંકળ રચવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટ્રમ્પના હુમલાએ ઇરાનમાં પાછો રાષ્ટ્રવાદ જગાવ્યો છે અને લોકો દેશ માટે કંઇપણ કરી છૂટવા માટે લાગી ગયા છે. આમ ટ્રમ્પની ઇરાનમાં સત્તા પલટો કરવાની ઇચ્છા બર આવી નથી.
ઇરાને પણ અમેરિકા-ઇઝરાયેલના હુમલાના જવાબમાં વળતો પ્રહાર કરતાં ઇઝરાયેલમાં તેલ અવીવ અને સાઉદી અરેબિયામાં હુમલો કર્યો હતો. તેના કારણે તેલઅવીવમાં સાઇરનો વાગી હતી. સાઉદી અરેબિયા પર આઠ મિસાઇલ ત્રાટકી હતી, જેને આંતરી લેવામાં આવી હતી. વિશ્વના નેતાઓએ પણ ચેતવણી આપી હતી કે ટ્રમ્પના પગલાંને વોર ક્રાઇમ કહી શકાય. યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ યુદ્ધ વખતે કોઈપણ વીજમથક અને નાગરિક માળખાને નિશાન બનાવી શકાતા નથી, જો કે યુક્રેન-રશિયા યુદ્ધમાં પણ આ નિયમ જળવાયો નથી.
ટીકાકારોની મને કંઈ પડી નથી : અમેરિકન પ્રમુખ
વેનેઝુએલામાં હું ખૂબ લોકપ્રિય, ચૂંટણી લડી પ્રમુખ બનીશ : ટ્રમ્પ
- હું પહેલા એક બિઝનેસમેન, મધ્ય-પૂર્વમાં યુદ્ધ પછી ઈરાનના ઓઈલ પર કબજો કરી નાણાં બનાવીશ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝની ખાડી ખોલાવવા ઈરાનને ખતમ કરી નાંખવાની ધમકી આપતા વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે વેનેઝુએલામાં પ્રમુખ બનવાની ઈચ્છા વ્યક્ત કરવાની સાથે પોતે એક બિઝનેસમેન હોવાથી મધ્ય-પૂર્વમાં યુદ્ધ પછી ઈરાનના ઓઈલ પર કબજો કરી નાણાં બનાવવાનો પણ દાવો કર્યો હતો. ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદનોની આકરી ટીકા થઈ રહી છે ત્યારે તેમણે ટીકાકારોની તેમને કંઈ પડી નહીં હોવાનું પણ જણાવ્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેઓ વેનેઝુએલામાં ખૂબ જ લોકપ્રિય છે અને અમેરિકામાં પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થયા પછી પોતે ત્યાં પ્રમુખપદની ચૂંટણી લડી શકે છે. વેનેઝુએલામાં લોકો કહે છે કે હું ત્યાં પ્રમુખપદની ચૂંટણી લડું તો હું પ્રમુખપદે ચૂંટાઈ આવીશ. હું ટૂંક સમયમાં જ સ્પેશિન ભાષા શીખી લઈશ. તેમાં વધુ સમય નહીં લાગે. હું ભાષા શીખવામાં ખૂબ જ સારો છું. ત્યાર પછી વેનેઝુએલામાં ચૂંટણી લડીશ. જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વેનેઝુએલાના વર્તમાન પ્રમુખના કામથી ખૂબ જ ખુશ છે અને તેમની સાથે તેમના સારા સંબંધ છે.
વધુમાં ટ્રમ્પે કહ્યું, મધ્ય-પૂર્વમાં ઈરાન સામેના યુદ્ધના પરિણામરૂપે અમેરિકા ઈરાનના ઓઈલ સંશાધનો પર નિયંત્રણ કરી શકે છે. તેમણે તેને સૈન્ય કાર્યવાહીના બદલામાં મળનારા સંભવિત આર્થિક લાભ સમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું, મારી પાસે પસંદગીનો વિકલ્પ હોય તો હું ચોક્કસ ઈરાનના ઓઈલ પર કબજો કરીને નાણાં બનાવીશ. કારણ કે હું સૌથી પહેલાં તો એક બિઝનેસમેન છું. જોકે, યાદ રાખો, યુદ્ધ વર્ષો સુધી ચાલે છે અને અમે અહીં માત્ર ૩૪ દિવસ માટે જ હતા અને અમે એક ખૂબ જ શક્તિશાળી દેશને સંપૂર્ણપણે ખતમ કરી નાંખ્યો. ઈરાન યુદ્ધ બદલ તેમની ટીકાઓ અંગે ટ્રમ્પે કહ્યું કે, તેઓ ટીકાકારોની કોઈ ચિંતા કરતા નથી. હું તેમને સાંભળતો પણ નથી.
ઈરાનના બદલે અમેરિકામાં સત્તા પરિવર્તનની તૈયારી
અમેરિકામાં 25મો સુધારો લાગુ કરી ટ્રમ્પની હકાલપટ્ટીની માગ
- ટ્રમ્પે માનસિક સંતુલન ગુમાવ્યું લાગે છે, અમેરિકા પર કલંક સમાન બેકાબૂ ગાંડાને હટાવો : અમેરિકન સાંસદો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં ઈસ્લામિક રિપબ્લિકની સત્તા ઉથલાવવા અને ઈરાનનું ક્રૂડ ઓઈલ કબજે કરવા ઈઝરાયેલ સાથે મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. જોકે, છેલ્લા એક મહિનામાં ટ્રમ્પના આડેધડ નિવેદનો અને ઈરાનમાં નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાના પગલે હવે ઈરાનના બદલે અમેરિકામાં જ સત્તા પરિવર્તનની સંભાવના પર ચર્ચા થવા લાગી છે. અમેરિકન વિશેષરૂપે ડેમોક્રેટ સાંસદોએ ૨૫મો બંધારણીય સુધારો લાગુ કરી ટ્રમ્પની પ્રમુખપદેથી હકાલપટ્ટીની માગ કરી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા માટે ઈરાનને મંગળવારનું ફાઈનલ અલ્ટીમેટમ આપ્યું હતું. સાથે તેમણે વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરી એક જ રાતમાં ઈરાનની સંસ્કૃતિ ખતમ કરી નાંખવાની ચેતવણી આપી હતી. ટ્રમ્પના આ વિવાદાસ્પદ નિવેદનોથી અમેરિકામાં ભારે હોબાળો મચી ગયો છે. અનેક અમેરિકન સાંસદો વિશેષરૂપે ડેમોક્રેટ તથા ભૂતપૂર્વ રિપબ્લિકન સાંસદોનું કહેવું છે કે ટ્રમ્પના વર્તમાન નિવેદનો અને ઈરાનમાં પુલ, યુનિવર્સિટી, સ્કૂલ જેવા નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવાની ધમકીઓ માત્ર આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ નથી, પરંતુ અમેરિકાની સુરક્ષા માટે પણ ગંભીર જોખમ છે.
એરિઝોનાનાં કોંગ્રેસ મહિલા યાસમીન અંસારીએ ટ્રમ્પ પર ગેરકાયદે યુદ્ધ ભડકાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, ટ્રમ્પ વિરુદ્ધ ૨૫મો બંધારણીય સુધારો લાગુ કરવો જોઈએ. ટ્રમ્પ વિનાશકારી, ગેરકાયદે યુદ્ધ ઉશ્કેરી રહ્યા છે. મોટાપાયે યુદ્ધ ગુનાઓની ધમકીઓ આપી રહ્યા છે. મિનેસોટાનાં કોંગ્રેસ મહિલા ઈલ્હાન ઉમરે પણ કહ્યું કે, ટ્રમ્પની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ લાગે છે. આ એકદમ યોગ્ય નથી. મહાભિયોગ ચલાવો. હટાવો. આ બેકાબૂ ગાંડાને પદ પરથી હટાવવો જોઈએ. ઈલિનોઈસના પૂર્વ રિપબ્લિકન કોંગ્રેસી જો વોલ્શે પણ કહ્યું, ટ્રમ્પ આ દેશ અને દુનિયા પર કલંક બની જશે. ૨૫મો સુધારો લાગુ કરીને તેને પદ પરથી હટાવવો જોઈએ. જોકે, અમેરિકામાં ૨૫મો બંધારણીય સુધારો લાગુ કરી હજુ સુધી ક્યારેય કોઈ પ્રમુખને તેમની ઈચ્છા વિરુદ્ધ હટાવાયા નથી. વધુમાં હાલ ઉપપ્રમુખ જેડી વાન્સ કે કેબિનેટના અન્ય સભ્યોએ ટ્રમ્પને હટાવવાના કોઈ સંકેત આપ્યા નથી.


