ઇરાન સહન નહીં કરી શકે તેવા પ્રચંડ હુમલા કરીશું : ટ્રમ્પ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમે ઇરાન યુદ્ધ જીતવા માંગીએ છીએ : અમેરિકન પ્રમુખ
- અમેરિકા આગામી સપ્તાહે ઇરાનના પાવર પ્લાન્ટસ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો કચ્ચરઘાણ કાઢે તેવી શક્યતા
- અમેરિકાના ઇરાન પરના આ વખતના હુમલામાં ઇઝરાયેલની સાથે સાઉદી અરેબિયા પણ જોડાઈ શકે
કૈરો : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાન પર વધુ આક્રમક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તેમા પણ ઇરાને અમેરિકાના મથકો પર કરેલા હુમલાના લીધે ટ્રમ્પ આમ પણ ગુસ્સે ભરાયા છે. ટ્રમ્પે સ્પષ્ટ જણાવ્યું છે કે અમે ફક્ત ઇરાન યુદ્ધ જીતવા માંગીએ છીએ. ઇરાન પર તે સહન નહીં કરી શકે તેટલી હદ સુધીના પ્રહારો કરીશું. પછીના વર્ષે ૨૦૦ ટકા ટેરિફ નાખશે. ટ્રમ્પના આ પગલાંથી ભારત પર નોંધપાત્ર અસર પડી શકે છે.
તેના પછી વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે અમેરિકન વહીવટીતંત્ર ઇરાનથી નિરાશ છે. ઇરાન અમેરિકા સાથે સમજૂતી કરી અને તે તરત જ તોડી નાખી. તેણે વેપારી જહાજો પર હુમલા કર્યા અને અમેરિકાન સૈનિકોને માર્યા. ટ્રમ્પ ઇરાનની આતંકી વર્તણૂક સહન નહીં કરે. ઇરાન મંત્રણાના ટેબલ પર આવશે નહીં અને અર્થપૂર્ણ મંત્રણા કરશે નહીં ત્યાં સુધી તેણે અમેરિકાના હુમલા કરવા પડશે. આ બતાવે છે કે અમેરિકા ઇરાન પર નવેસરથી હુમલાઓની તૈયારી કરી રહ્યું છે. આ વખતે અમેરિકાના ઇરાન પરના હુમલામાં ઇઝરાયેલ તો સાથે હશે જ, પરંતુ સાઉદી અરેબિયા પણ તેની સાથે જોડાય તેવી પ્રબળ સંભાવના છે.
અમેરિકા અને ઇઝરાયલ ઇરાનના પાવર પ્લાંટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉપર પ્રચંડ બૉમ્બિંગ કરવાની તૈયારીમાં છે. આ અહેવાલો જણાવે છે કે આની વૈશ્વિક બજારો ઉપર પણ સીધી અસર પડવા સંભવ છે. ઇઝરાયલે કહી દીધું છે કે, તેઓ અમેરિકા સાથે સંપૂર્ણ સહકારથી કામ કરવા તૈયાર છે. પ્રમુખ ટ્રમ્પ આખરી હુકમ આપે તેની જ રાહ જોવાય છે.
આ દરમિયાન કુવૈતના લશ્કરે જણાવ્યું હતું કે ઇરાને તેમના પર ડ્રોન હુમલા કર્યા છે અને તેના કારણે ઘણા બધા એકમોને નુકસાન થયું છે. જો કે આ હુમલામાં જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત બ્રિટિશ નૌકાદળે જણાવ્યું હતું કે ઇરાનના હુમલામાં એક ટેન્કરમાં આગ લાગી છે. ઓમાનમાં લિમાથી ૧૧ નોટિકલ માઇલ્સથી દૂર થયેલા આ હુમલામાં જહાજના એન્જિન રુમને નુકસાન થયું હતું. ઇરાન હોર્મુઝ પર અંકુશ જાળવી રાખવા ત્યાં તેની મંજૂરી વગર પસાર થતાં દરેક જહાજ પર હુમલા કરે છે.
હુથી બળવાખોરોએ બાબ અલ મંડેબ ખાડીમાં અત્યાર સુધી સાઉદી અરેબિયાના આઠ જહાજ પાછા વાળ્યા છે. હુથીઓએ જતેમના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની ઘેરાબંધીના લીધે સાઉદી અરેબિયાના જહાજોએ આખો આફ્રિકાનો ફેરો લગાવવાની ફરજ પડી હતી.
આવી ધમકીઓ સામે પણ હજી સુધી અણનમ રહેલા ઇરાને સામો ખુલ્લો પડકાર આપતાં જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી અમારા ઇસ્લામિક ગણતંત્ર સામે ધમકીઓ ચાલુ રહેશે અને જ્યાં સુધી અમેરિકી દળોની ગેરકાયદે અને દુષ્ટતાભરી કાર્યવાહી ચાલુ રહેશે ત્યાં સુધી અમારો તે સામે સામનો પણ ચાલુ રહેશે.'
મહેલની નીચે હીઝબુલ્લાહની ટનલ હતી
ઇઝરાયેલે લેબનોનમાં વર્લ્ડ હેરિટેજમાં સામેલ મહેલ ઉડાવ્યો
હમાસ શસ્ત્રો હેઠા મૂકવા માટે સંમત છતાં ઇઝરાયેલના ગાઝામાં હુમલામાં બેના મોત
બૈરૂત :ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં બ્યુફોર્ટ કેસલની અંદરથી બનાવવામાં આવેલું અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક વિસ્ફોટકોથી ઉડાવી દીધુ હતુ. ઇઝરાયેલનું કહેવું છે કે આ મહેલ અને તેની નીચેના ટનલ નેટવર્કનો ઉપયોગ હીઝબુલ્લાહ કરતુ હતુ.
આ મહેલ ૧૨મી સદીનો મહેલ હતો અને તે અલ-શકિફ તરીકે જાણીતો હતો. ઇઝરાયેલી દળોએ તેને મેમાં જપ્ત કર્યો હતો. આ મહેલને તાજેતરમાં ઇઝરાયેલના વાંધાઓ વચ્ચે પણ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવાયો હતો. લબનોનના પ્રમુખ જોસેફ એઓને જણાવ્યું હતું કે ઇઝરાયેલની કામગીરી રોમમાં આગામી મંત્રણા પૂર્વે નકારાત્મક સંદેશા મોકલી રહી છે. ઇઝરાયેલ અને લેબનોન મંત્રણાના આગામી તબક્કા માટે મળવાના છે.
ઇઝરાયેલે શુક્રવારે સેન્ટ્રલ ગાઝામાં કરેલા હુમલામાં બેના મોત થયા છે અને કમસેકમ ડઝનથી પણ વધુ લોકોને ઇજા થઈ હોવાનું સ્થાનિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ હુમલો હમાસે શસ્ત્રો હેઠા મૂકવાની તૈયારી બતાવ્યા પછી થયો છે. હમાસના આ પગલાને ગાઝામાં યુદ્ધનો અંત લાવવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. ઇઝરાયેલ-હમાસ વચ્ચે અમેરિકાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં યુદ્ધવિરામ કરાવ્યો હતો. જો કે ઇઝરાયેલના જમણેરી નેતા ઇટામર બેન ગ્વિરે જણાવ્યું હતું કે આ ડીલ અસ્વીકાર્ય છે અને ગાઝામાં પેલેસ્ટાઇનીઓને ખતમ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને ઇઝરાયેલે આ યુદ્ધ ચોક્કસ જીતવું જોઈએ.




