ઈરાન પર ઇતિહાસમાં ક્યારેય ના થયો હોય એવો હુમલો કરીશું... અમેરિકન પ્રમુખ ટ્રમ્પની આકરી ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Warns Iran: પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાવાના બદલે સ્થિતિ દિવસેને દિવસે વધુ વણસી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીના સૌથી ખતરનાક અને મોટા હુમલાની ખુલ્લી ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન ગંભીરતાથી વાટાઘાટો નહીં કરે, તો અમેરિકા પોતાની પૂરી તાકાત સાથે હુમલો કરી શકે છે. જૂનમાં થયેલો સીઝફાયર ભંગ થયા બાદ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર તણાવ ચરમસીમાએ પહોંચતા આ ધમકી આવી છે. વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ માર્ગ પર ઈરાનના વલણને કારણે સમગ્ર વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
ઓપરેશન એપિક ફ્યુરી અને વધતો તણાવ
ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ મોટા પાયે હુમલા શરૂ કર્યા હતા. આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક ટોચના નેતાઓ માર્યા ગયા હતા. જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ અને અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં લેબેનોનથી હિઝબુલ્લાહ પણ જોડાયું હતું. એપ્રિલ 2026માં સીઝફાયર થયું હતું પરંતુ જૂનમાં ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર હુમલા શરૂ કરતાં તણાવ ફરી વધ્યો છે.
ટ્રમ્પની 'મેક્સિમમ પ્રેશર' વ્યૂહનીતિ અને વૈશ્વિક અસર
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની આ ધમકી તેમની 'મેક્સિમમ પ્રેશર' વ્યૂહનીતિનો એક ભાગ માનવામાં આવે છે. તેઓ ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ બંધ કરવા અને હિઝબુલ્લાહ તથા હૂથી બળવાખોરો જેવા જૂથોને મદદ કરવાનું બંધ કરવા મજબૂર કરવા માગે છે. આ તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100ને પાર પહોંચી ગયા છે. જો યુદ્ધ વધુ વકરશે તો ક્રૂડ ઓઇલ $150થી $200 સુધી પહોંચી શકે છે, જેનાથી ભારત જેવા દેશોમાં મોંઘવારીનો મોટો બોજ પડશે અને વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ જશે.
ઈઝરાયલનું વલણ અને ભવિષ્યની શક્યતાઓ
બીજી તરફ, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ ઈરાનના પરમાણુ પ્રોગ્રામને સંપૂર્ણપણે નષ્ટ કરવા માગે છે. દક્ષિણ લેબેનોનમાંથી પીછેહઠ કરવા માટે ઈઝરાયલ અત્યારે તૈયાર નથી, જેના કારણે શાંતિ વાટાઘાટોમાં મોટો અવરોધ ઊભો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગળ જતાં ત્રણ શક્યતાઓ દેખાઈ રહી છે: તટસ્થ દેશોની મધ્યસ્થીથી કોઈ રાજદ્વારી રસ્તો નીકળે, અમેરિકા ચોક્કસ લશ્કરી ઠેકાણાઓ પર જ લક્ષિત હુમલા કરે અથવા સમગ્ર પશ્ચિમ એશિયા મહાયુદ્ધમાં હોમાઈ જાય. હાલમાં વિશ્વ આખાનું ધ્યાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો માર્ગ ખુલ્લો રહે અને ક્રૂડ ઓઇલંનો પુરવઠો વણથંભ્યો જળવાઈ રહે તેના પર જ કેન્દ્રિત છે.









